ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વેગ આપવા મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વેગ આપવા મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી

#GS-2 #GS-3 #શાસન અને સામાજિક ન્યાય #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #રોજગારી #વિજ્ઞાન અને ટેકનોલોજી #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય કેબિનેટે દેશના મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે ₹62,500 કરોડના બજેટ સાથે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) શું છે?

  • MPMS નો મુખ્ય હેતુ ભારતમાં મોબાઈલનું ઉત્પાદન વધારવો, સ્થાનિક સ્પેરપાર્ટ્સનો વપરાશ વધારવો અને પુરવઠા વ્યવસ્થાને મજબૂત કરવાનો છે.
  • આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધી એટલે કે પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.
  • ભારતમાં બનતા મોબાઈલના વેચાણ પર કંપનીઓને 2.25% થી 5% સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે.
  • જો કંપનીઓ સ્થાનિક સ્તરેથી મહત્વના ભાગો ખરીદશે તો તેમને 1.5% સુધીનું વધારાનું ઇન્સિટીવ મળશે.
  • ભારતીય બ્રાન્ડ્સ અને રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્ટ ડિઝાઇન કરનાર કંપનીઓને 3% વધારાનું કમિશન આપવામાં આવશે.

MPMS ના મુખ્ય ઉદ્દેશ્યો

  • ભારતમાં મોબાઈલ બનાવવાની ક્ષમતા વધારીને દેશને દુનિયાનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બનાવવું.
  • વિદેશથી મંગાવવામાં આવતા સામાન પરની નિર્ભરતા ઘટાડવી અને સ્થાનિક પાર્ટ્સનો ઉપયોગ વધારવો.
  • ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે દેશમાં જ મજબૂત અને સરળ સપ્લાય સિસ્ટમ તૈયાર કરવી.
  • ભારતીય મોબાઈલ બ્રાન્ડ્સને મદદ કરવી જેથી ડિઝાઇન અને ટેકનોલોજીનો મહત્તમ ફાયદો ભારતને મળે.
  • પોતાની ટેકનોલોજી અને નવી પેટન્ટ વિકસાવીને દેશને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવો.

અપેક્ષિત પરિણામો

  • આ યોજનાના પાંચ વર્ષ દરમિયાન દેશમાં કુલ ₹39 લાખ કરોડથી વધુ કિંમતના મોબાઈલનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
  • વિદેશમાં મોબાઈલની નિકાસ વધશે અને વૈશ્વિક બજારમાં ભારતની પકડ મજબૂત થશે.
  • આ યોજનાથી ઉદ્યોગ ક્ષેત્રે લગભગ 60,000 સીધી નોકરીઓ ઊભી થશે.
  • વિશ્વભરમાં મોબાઈલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે.

ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વિકાસની વર્તમાન સ્થિતિ

  • જૂની PLI યોજના 31 માર્ચ 2026ના રોજ પૂરી થઈ તે પછી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે.
  • દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 2014-15માં ₹1.90 લાખ કરોડ હતું જે વધીને 2025-26માં ₹13.11 લાખ કરોડ થવાનો અંદાજ છે.
  • આ જ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસ ₹38,263 કરોડથી વધીને ₹4.24 લાખ કરોડ પહોંચી ગઈ છે.
  • નિકાસની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક્સ સામાન હવે ભારતની ત્રીજી સૌથી મોટી કેટેગરી બની ગઈ છે, જે 47.96 અબજ ડોલર પર પહોંચી છે.
  • મોબાઈલ અને સાધનોમાં સ્થાનિક ભાગોનો વપરાશ 15% થી વધીને 23% થયો છે.
  • હવે દેશમાં 40 થી વધુ મોટા પાર્ટ્સ ઉત્પાદકો કામ કરી રહ્યા છે, જેને નાના સપ્લાયર્સનો સારો ટેકો મળી રહ્યો છે.

વિકાસના મુખ્ય આધાર તરીકે મોબાઈલ ઉત્પાદન

  • ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની પ્રગતિ અને નિકાસમાં મોબાઈલ ઉત્પાદન સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
  • ભારતમાં વપરાતા કુલ મોબાઈલમાંથી 99.2% ફોન દેશમાં જ બને છે અને ભારત દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક છે.
  • મોબાઈલ ઉત્પાદન 2014-15માં ₹18,900 કરોડ હતું જે 2025-26માં વધીને ₹6.27 લાખ કરોડ થયું છે.
  • મોબાઈલની નિકાસ ₹1,566 કરોડથી વધીને ₹2.60 લાખ કરોડ નોંધાઈ છે.
  • નિકાસની યાદીમાં મોબાઈલ ફોન 153મા સ્થાનેથી વધીને પહેલા સ્થાને આવી ગયો છે.
  • વર્ષ 2025માં સ્માર્ટફોન નિકાસમાં ડીઝલ અને હીરા કરતા પણ આગળ નીકળી ગયા છે.

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી

  • છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે બનેલી નવી નોકરીઓમાં 30% મહિલાઓ છે.
  • મોબાઈલ બનાવતી ફેક્ટરીઓમાં કામ કરતા કુલ કર્મચારીઓમાં 70% મહિલાઓ છે.
  • અગાઉની યોજનાથી આશરે 90,000 મહિલાઓને રોજગારી મળી હતી.
  • આ ક્ષેત્ર મહિલાઓને સુરક્ષિત કામ અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની સારી તક આપી રહ્યું છે.

નિષ્કર્ષ

  • આ નવી યોજના ભારતને મોબાઈલ ઉત્પાદનમાં દુનિયામાં આગળ લાવશે. સ્થાનિક રિસર્ચ, નોકરીઓ અને ઉત્પાદનને મળતા પ્રોત્સાહનથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળશે.