
ભારતના ઊર્જા ભવિષ્ય માટે એકીકૃત નીતિગત માળખું
#GS-3 #અર્થતંત્ર #માળખાકીય સુવિધા #ઊર્જા #વિજ્ઞાન અને ટેકનોલોજી #પર્યાવરણ #આબોહવા પરિવર્તન #સતત વિકાસ
શા માટે ચર્ચામાં છે?
- તાજેતરમાં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) ના સેન્ટર ફોર સાયન્સ, ટેકનોલોજી, ઇનોવેશન એન્ડ પોલિસી દ્વારા એક મહત્વનો પોલિસી બ્રીફ બહાર પાડવામાં આવ્યો છે.
- આ દસ્તાવેજમાં અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલા ઊર્જા આયોજનને બદલે સમગ્ર દેશ માટે એક જ નીતિગત માળખું બનાવવાનું સૂચન કરાયું છે.
- આ માળખું ચાર મુખ્ય બાબતો પર આધારિત છે: પર્યાપ્તતા, પહોંચ, પોષાય તેવી કિંમત, અને યોગ્ય ટકાઉપણું.
ભારતના ઊર્જા સંક્રમણ અંગેના મુખ્ય ડેટા અને તથ્યો
- છેલ્લા એક દાયકામાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા છ ગણી વધી છે. તે 2015 માં 40 GW થી વધીને 2025 સુધીમાં લગભગ 260 GW સુધી પહોંચી ગઈ છે.
- આ નીતિમાં બે મોટા લક્ષ્યાંકો નક્કી કરાયા છે: વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ ઊર્જા આત્મનિર્ભરતા મેળવવી અને વર્ષ 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન સુધી પહોંચવું.
- ક્લીન એનર્જી ને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરાયું છે, જેના માટે સરકારે ₹19,744 કરોડ નું બજેટ ફાળવ્યું છે.
એકીકૃત ઊર્જા નીતિના માળખાની જરૂરિયાત
- ભારતમાં ઊર્જા ક્ષેત્રનું સંચાલન અલગ-અલગ મંત્રાલયોમાં વહેંચાયેલું છે. આના કારણે લાંબા ગાળાનું આયોજન કરવામાં મુશ્કેલી પડે છે.
- દેશમાં ઝડપથી વધી રહેલા ઉદ્યોગો અને શહેરીકરણને કારણે વીજળીની માંગ વધી રહી છે. વીજ કાપ અટકાવવા માટે મજબૂત નેટવર્ક જરૂરી છે.
- ભારત ક્રૂડ ઓઇલ અને ગેસ માટે વિદેશ પર નિર્ભર છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા ભારતીય અર્થતંત્ર પર અસર પડે છે.
- સૌર અને પવન ઊર્જા 260 GW ને પાર કરી ગઈ છે. હવે વીજળીના પુરવઠાને જાળવી રાખવા માટે સારા સ્ટોરેજ સેટઅપની જરૂર છે.
- દરેક રાજ્યની સ્થિતિ અલગ હોય છે. તેથી કોલસા ક્ષેત્રે કામ કરતા મજૂરોના હિત સચવાય અને સ્થાનિક સ્તરે ક્લીન ફ્યુઅલ વધે તેવું આયોજન જોઈએ.
અત્યાર સુધી લેવાયેલા મુખ્ય પહેલો
- સરકારે સૌભાગ્ય યોજના દ્વારા દેશના લગભગ તમામ ઘરો સુધી વીજળી પહોંચાડવાનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું છે.
- રસોઈ માટે સ્વચ્છ બળતણ મળે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાવવામાં આવી, જેનાથી કરોડો ગરીબ પરિવારોને LPG કનેક્શન મળ્યા.
- ભારતને ગ્રીન હાઇડ્રોજનનું ગ્લોબલ હબ અને નિકાસકાર બનાવવા માટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરવામાં આવ્યું છે.
- પ્રયોગાત્મક ધોરણે NTPC દ્વારા પુડિમાડાકા ખાતે દિવસે 150 ટન ક્ષમતાનો ગ્રીન યુરિયા પ્લાન્ટ શરૂ કરાયો છે, જેમાં CCUS ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
પડકારો
- જૂના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને સ્થાનિક વીજ લાઈનોને નવી ગ્રીન એનર્જી સિસ્ટમ સાથે જોડવા માટે મોટા પાયે ભંડોળની જરૂર છે.
- જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે વીજ પુરવઠો જાળવવા માટે બેટરી સ્ટોરેજ અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને સાંકળવા ટેકનિકલી અઘરા છે.
- કેન્દ્ર સરકાર અને નાણાકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્ય વીજ કંપનીઓ વચ્ચે સુમેળ સાધીને એકસમાન નિયમો બનાવવા પડકારરૂપ છે.
- કાર્બન ડાયોક્સાઈડ અથવા હાઇડ્રોજન ગેસને ટ્રાન્સપોર્ટ કરવા માટે વિશિષ્ટ પાઇપલાઇન બનાવવા નો ખર્ચ ખૂબ વધારે આવે છે.
- પરંપરાગત બળતણની સરખામણીમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા બનાવવાનો પ્રારંભિક ખર્ચ ઘણો વધારે છે.
આગળનો માર્ગ
- ભારતે દસ વર્ષીય તબક્કાવાર યોજના બનાવવી જોઈએ. જેમાં પહેલા ગ્રીડ મજબૂત કરવા પર અને ત્યારબાદ ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન આપવું જોઈએ.
- સ્ટીલ, સિમેન્ટ અને પાવર જેવા ભારે ઉદ્યોગોને કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS) સિસ્ટમ સાથે સીધા જોડવા જોઈએ.
- ચોવીસે કલાક સતત વીજળી આપવા માટે ગ્રીડ બેટરી, નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સ અને પમ્પ-સ્ટોરેજ પ્લાન્ટ્સનો વિકાસ કરવો જરૂરી છે.
- સ્થાનિક સ્તરે જ ઇલેક્ટ્રોલાઇઝર અને સોલાર સાધનો બનાવી શકાય તે માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી વધારવી જોઈએ.
- કોલસા અને પરંપરાગત ઊર્જા ક્ષેત્રના મજૂરોને નવી તાલીમ આપીને ગ્રીન એનર્જી તરફ વાળવા માટે ભંડોળ ફાળવવું જોઈએ.
નિષ્કર્ષ
- INSA ના રિપોર્ટ મુજબ ભારતે તેના આખા પાવર ગ્રીડને જુદા જુદા ભાગોને બદલે એક જ સમગ્ર સિસ્ટમ તરીકે જોવાની જરૂર છે.
- પર્યાપ્તતા, પહોંચ, વ્યાજબી કિંમત અને ટકાઉપણાના સિદ્ધાંતો અપનાવીને ભારત આર્થિક વિકાસની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે છે.