બાબ એલ-મંડેબ સ્ટ્રેટનું વ્યૂહાત્મક મહત્વ

બાબ એલ-મંડેબ સ્ટ્રેટનું વ્યૂહાત્મક મહત્વ

#GS-1 #GS-3 #ભૂગોળ #ભૌતિક ભૂગોળ #સંસાધનો #વર્તમાન ઘટનાઓ #આંતરરાષ્ટ્રીય #બાબ એલ-મંડેબ સ્ટ્રેટ #લાલ સમુદ્ર

શા માટે ચર્ચામાં છે?

  • યમનના હુથી બળવાખોરોએ બાબ એલ-મંડેબ સ્ટ્રેટ માં સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી છે. તેઓએ લાલ સમુદ્રમાંથી પસાર થતા તેલના ટેન્કરોને રોકવાની ધમકી આપી છે.

બાબ એલ-મંડેબ સ્ટ્રેટનો પરિચય

  • અરબી ભાષામાં બાબ એલ-મંડેબ સ્ટ્રેટ નો અર્થ આંસુઓનો દરવાજો થાય છે. આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે લાલ સમુદ્રને અદનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે.
  • આ માર્ગ સુએઝ કેનાલનો દક્ષિણ દરવાજો ગણાય છે. યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો દરિયાઈ રસ્તો આ જ માર્ગ પરથી પસાર થાય છે.

સ્થાન અને સરહદી દેશો

  • આ જળસંધિ અરેબિયન દ્વીપકલ્પ અને હોર્ન ઓફ આફ્રિકાની વચ્ચે આવેલી છે. આ માર્ગ યમન, જીબુટી અને ઇરિટ્રિયા એમ ત્રણ દેશોની સરહદને અડે છે.

મુખ્ય ભૌગોલિક અને હાઇડ્રોગ્રાફિક લાક્ષણિકતાઓ

  • યમનના રાસ મેનહેલી અને જીબુટીના રાસ સિઆન વચ્ચે આ માર્ગ સૌથી સાંકડો છે, જ્યાં તેની પહોળાઈ લગભગ 32 કિમી (20 માઇલ) છે.
  • જ્વાળામુખીથી બનેલો પેરિમ (માયુન) ટાપુ આ દરિયાઈ માર્ગને બે અલગ-અલગ નેવિગેશન ચેનલમાં વહેંચે છે.
  • પશ્ચિમી ચેનલ જેને ડાક્ત-એલ-માયુન કહેવાય છે, તે 26 કિમી (16 માઇલ) પહોળી અને 200 મીટર (650 ફૂટ) ઊંડી છે, જે આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો માટે મુખ્ય રસ્તો છે.
  • પૂર્વ તરફની ચેનલ જેને બાબ ઇસ્કેન્દર કહેવાય છે, તે 3 કિમી (2 માઇલ) પહોળી અને 30 મીટર (100 ફૂટ) ઊંડી છે, તેથી તેનો ઉપયોગ ફક્ત સ્થાનિક નાના વાહનો જ કરે છે.
  • ચોમાસાના પવનોને કારણે અહીં પાણીના પ્રવાહની દિશા બદલાય છે. આ દરિયાઈ પટ્ટો લાલ સમુદ્ર અને અદનની ખાડી વચ્ચે પાણીની આપ-લે માટેનો મુખ્ય માર્ગ છે.
  • આ વિસ્તારમાં ઘણા જ્વાળામુખી ટાપુઓ આવેલા છે, જેમાં જીબુટીના કિનારા પાસે આવેલા સેવન બ્રધર્સ (સવાબી ટાપુઓ) પ્રખ્યાત છે.

વ્યૂહાત્મક મહત્વ

  • વિશ્વના દરિયાઈ વેપારનો 10-12% હિસ્સો અને તેલના દરિયાઈ વેપારનો 10% હિસ્સો આ જ રસ્તેથી થાય છે. મલક્કા અને હોર્મુઝ પછી આ દુનિયાનો ત્રીજો સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગ છે.
  • જો આ રસ્તો બંધ થાય તો જહાજોએ કેપ ઓફ ગુડ હોપ થઈને લાંબો ફેરો ફરવો પડે છે. આ કારણે 3,500-4,000 નોટિકલ માઇલ નો અંતર અને 10-14 દિવસ નો સમય વધી જાય છે, જેનાથી બળતણ, વીમા અને ભાડાનો ખર્ચ ખૂબ વધી જાય છે.