
આયુર્વેદને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે નીતિ આયોગનો વ્યૂહાત્મક રોડમેપ
#GS-2 #શાસન અને સામાજિક ન્યાય #આરોગ્ય #GS-3 #અર્થતંત્ર #વિકાસ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #આયુર્વેદ #નીતિ આયોગ
શા માટે ચર્ચામાં છે?
- નીતિ આયોગે આયુર્વેદને ગ્લોબલ બનાવવા માટેનો વ્યૂહાત્મક રોડમેપ નામનો અહેવાલ બહાર પાડ્યો છે.
- આ અહેવાલમાં સમજાવ્યું છે કે આયુર્વેદ શા માટે ચાઈનીઝ ટ્રેડિશનલ મેડિસિન (TCM) કરતા દુનિયામાં પાછળ રહી ગયું છે.
- ભારતના આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં એટલે કે 2025 થી 2047 સુધીમાં આયુર્વેદને વિશ્વસ્તરે પહોંચાડવા માટે આ અહેવાલમાં તબક્કાવાર યોજના આપવામાં આવી છે.
આયુર્વેદની વૈશ્વિક સ્તરે વર્તમાન સ્થિતિ
- ભારતમાં બનતા આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનોની નિકાસ 2014 માં 1.09 અબજ ડોલર હતી, જે વધીને 2023 માં 2.16 અબજ ડોલર થઈ ગઈ છે અને તે 150 થી વધુ દેશો સુધી પહોંચી છે.
- દુનિયાના લગભગ 30 દેશો અલગ-અલગ લાયસન્સ અને શૈક્ષણિક કરારો દ્વારા આયુર્વેદને સત્તાવાર માન્યતા આપી ચૂક્યા છે.
- ભારતમાં 3.55 લાખથી વધુ તાલીમબદ્ધ આયુર્વેદ ડૉક્ટરો છે, પરંતુ તેમાંથી 95% માત્ર ભારતમાં જ સેવા આપે છે.
- ગુજરાતના જામનગરમાં શરૂ થયેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) ને કારણે હવે 70 જેટલા દેશોમાં આયુર્વેદિક સંશોધન થઈ રહ્યું છે.
- મોરેશિયસની યુનિવર્સિટી ઓફ મોરેશિયસ અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં આયુષ ચેર સ્થપાઈ છે, છતાં પણ વિશ્વભરમાં એકસરખો અભ્યાસક્રમ હજુ નથી.
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પોતાના ICD-11 રોગ વર્ગીકરણમાં TM-2 મોડ્યુલ હેઠળ આયુર્વેદ, સિદ્ધ અને યુનાની (ASU) ને સ્થાન આપ્યું છે.
- WHO એ આયુર્વેદિક સારવાર પદ્ધતિઓને ICHI કોડિંગ હેઠળ લાવી દીધી છે, જેથી દુનિયાભરમાં આયુર્વેદિક સારવારનું ટ્રેકિંગ, બિલિંગ અને રિસર્ચ સરળ બની શકે.
આયુર્વેદના વૈશ્વિકીકરણનું SWOT વિશ્લેષણ: સબળ પાસાં
- આયુર્વેદ બીમારી થતાં પહેલાં જ તેનાથી બચવા પર અને સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે, જે આજકાલની દુનિયાની જરૂરિયાત સાથે બરાબર બંધ બેસે છે.
- આયુર્વેદમાં પ્રકૃતિ આધારિત નિદાન અને કુદરતી જડીબુટ્ટીઓનો ઉપયોગ થતો હોવાથી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ અલગ સારવાર મળે છે.
- 5,000 વર્ષથી વધુ જૂનું જ્ઞાન, વિશ્વભરમાં યોગની લોકપ્રિયતા અને WHO ICD-11 માં મળેલું સ્થાન આયુર્વેદને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિશ્વાસ આપે છે.
- એલોપથી દવાઓની સાથે આયુર્વેદ પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે, ખાસ કરીને જૂની બીમારીઓ, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પુનર્વસન માટે.
આયુર્વેદના વૈશ્વિકીકરણનું SWOT વિશ્લેષણ: નબળા પાસાં
- ઘણા વિદેશોમાં આયુર્વેદને હજી પણ સત્તાવાર તબીબી પદ્ધતિ તરીકે ગણવામાં આવતું નથી અને તેના માટે યોગ્ય નિયમોનો અભાવ છે.
- વિદેશમાં પ્રમાણિત આયુર્વેદિક ડૉક્ટરોની અછત છે અને ભણાવવાનો કોઈ એકસરખો ગ્લોબલ સિલેબસ પણ નથી.
- દરેક દર્દીની તાસીર મુજબ અલગ દવા અપાતી હોવાથી આધુનિક સાયન્સ મુજબ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ્ડ ટ્રાયલ્સ (RCT) ના પુરાવા આપવા મુશ્કેલ બને છે.
- વિદેશી નિયમો પાળવાનો ઊંચો ખર્ચ, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) માં અનિયમિતતા અને હેલ્થ ઈન્સ્યોરન્સ ના મળવાને કારણે તેનો ફેલાવો અટકે છે.
આયુર્વેદના વૈશ્વિકીકરણનું SWOT વિશ્લેષણ: તકો
- આયુષ ચેર, આયુષ સ્કોલરશિપ અને આયુષ વીઝા જેવી યોજનાઓ આયુર્વેદને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવામાં મદદ કરી શકે છે.
- GTMC સાથે મજબૂત ભાગીદારી અને ICHI કોડિંગ સિસ્ટમ અપનાવવાથી વિશ્વભરમાં આયુર્વેદની સ્વીકૃતિ વધશે.
- દુનિયાભરમાં 1 ટ્રિલિયન ડોલરનું વેલનેસ માર્કેટ છે અને સાથે સાથે મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) પણ વધી રહ્યું છે, જે આયુર્વેદ માટે મોટી તક છે.
- વૈજ્ઞાનિક પુરાવા સાથે સંશોધન કરીને વિદેશોમાં યોગ્ય પ્રચાર કરવાથી આયુર્વેદ ઉત્પાદનોની માંગ વધારી શકાશે.
આયુર્વેદના વૈશ્વિકીકરણનું SWOT વિશ્લેષણ: જોખમો
- આયુર્વેદિક ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ, કંપનીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેળ ન હોવાથી વિદેશમાં ઝડપી પ્રગતિ થતી નથી.
- મોટાભાગના આયુર્વેદિક ઉત્પાદનો વિદેશમાં દવા તરીકે નહીં પરંતુ ડાયેટરી સપ્લીમેન્ટ (ખોરાકના વિકલ્પ) તરીકે વેચાય છે, જેથી તેને ઓછી કિંમત અને ઓછું માન મળે છે.
- ચીન સરકારના સંપૂર્ણ સમર્થન સાથે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન (TCM) વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે આયુર્વેદ માટે મોટી સ્પર્ધા છે.
- આયુર્વેદના મૂળ પ્રાચીન સિદ્ધાંતો જાળવી રાખીને આધુનિક વિજ્ઞાનના કડક ધોરણો પૂરા કરવા એ મોટો પડકાર છે.
આયુર્વેદ અને ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન વચ્ચે સરખામણી
- એકલા અમેરિકાના 47 રાજ્યોમાં TCM ના 34,000 થી વધુ લાયસન્સ ધરાવતા એક્યુપંક્ચરિસ્ટ છે, જેની સામે વિદેશમાં આયુર્વેદના માત્ર 5,000 જેટલા જ ડૉક્ટરો છે.
- TCM ની વાર્ષિક વૈશ્વિક નિકાસ 5.4 અબજ ડોલર ની છે, જ્યારે આયુર્વેદની નિકાસ 2023 માં 2.16 અબજ ડોલર જ હતી.
- ચીને પોતાના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) દ્વારા વિદેશોમાં 30 થી વધુ TCM સેન્ટરો ખોલ્યા છે, જ્યારે ભારત આયુષ ઇન્ફર્મેશન સેલ અને GTMC દ્વારા પ્રયાસ કરી રહ્યું છે.
- અમેરિકા, જાપાન અને જર્મની જેવા દેશોમાં TCM ની સારવાર માટે હેલ્થ ઈન્સ્યોરન્સ મળે છે, જ્યારે આયુર્વેદ માટે ભારત બહાર ઈન્સ્યોરન્સ કવરેજ ખૂબ મર્યાદિત છે.
- TCM માટે એક ખાસ ISO ટેકનિકલ કમિટી બનેલી છે જે તેના ક્વોલિટી ધોરણો નક્કી કરે છે, જ્યારે આયુર્વેદ માટે આવી કોઈ સ્વતંત્ર ISO કમિટી નથી.
ટૂંકા ગાળાની વ્યૂહરચના: પાયો મજબૂત કરવો (2029 સુધી)
- આયુષ મંત્રીના પ્રમુખપદે એક મિશન સ્ટેયરિંગ ગ્રૂપ (MSG) રચવું, જે સંશોધન, વેપાર, શિક્ષણ અને રાજદ્વારી સંબંધો વચ્ચે તાલમેળ સાધશે.
- NCISM હેઠળ ગ્લોબલ આયુર્વેદ રજિસ્ટર (GAR) શરૂ કરવું, જેથી વિશ્વભરના આયુર્વેદ ડૉક્ટરોની ડિગ્રી ચકાસી શકાય અને તેમને નવી તાલીમ આપી શકાય.
- એક ગ્લોબલ ઇન્ફોર્મેશન પોર્ટલ બનાવવું, જે વિવિધ દેશોના લાયસન્સ નિયમો, વીઝા અને આરોગ્યની શરતોની એક જ જગ્યાએ માહિતી આપશે.
- દેશની મોટી આયુર્વેદિક કંપનીઓને WHO-GMP કક્ષાના ક્વોલિટી સર્ટિફિકેટ ઝડપથી આપવા અને તેનું ઓનલાઇન લિસ્ટ જાહેર કરવું.
- જડીબુટ્ટીઓની શુદ્ધતા અને ભારે ધાતુઓની સુરક્ષા ચકાસવા માટે આયુર્વેદિક ફાર્માકોપિયાની નિકાસ આવૃત્તિ (Export Edition) તૈયાર કરવી.
- વેપાર વધારવા માટે લાઈવ આયુર્વેદ ટ્રેડ ડેશબોર્ડ બનાવવું અને મુક્ત વેપાર કરારોનો લાભ લેવા માટે સાચા HS કોડ ફાળવવા.
મધ્યમ ગાળાની વ્યૂહરચના: બજાર એકીકરણ (2035 સુધી)
- યુરોપિયન યુનિયન (EU) ના THMPD નિયમો હેઠળ મુખ્ય આયુર્વેદિક દવાઓનું રજિસ્ટ્રેશન કરાવવું.
- OECD દેશોમાં આયુર્વેદિક સારવાર માટે હેલ્થ ઈન્સ્યોરન્સ મળે તેવા પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવા.
- G20, BRICS અને ASEAN જેવા જૂથો સાથે મ્યુચ્યુઅલ રેકગ્નિશન એરેન્જમેન્ટ્સ (MRAs) કરાર કરીને ડૉક્ટરોને વિદેશમાં કામ કરવાની છૂટ અપાવવી.
- આયુષ ચેર દ્વારા વિદેશી મેડિકલ કોલેજોમાં આયુર્વેદના ટૂંકા વિષયો અને કોર્સ ભણાવવાની શરૂઆત કરવી.
- મોરેશિયસ જેવા દેશોથી શરૂ કરીને વિદેશી મેડિકલ ટુરિઝમ હબ બનાવવા અને આયુષ વીઝા સાથે ઓનલાઇન સારવારના પેકેજ આપવા.
- WHO સેન્ટરો દ્વારા બહુવિધ દેશોમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ હાથ ધરવી અને પેટન્ટના રક્ષણ માટે TKDL (ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાયબ્રેરી) ને અપડેટ કરવી.
લાંબા ગાળાની વ્યૂહરચના: સંપૂર્ણ એકીકરણ (2047 સુધી)
- ઓછામાં ઓછા 20 દેશો ની સરકારી આરોગ્ય પ્રણાલીમાં આયુર્વેદને સત્તાવાર સ્થાન અપાવવું.
- કમરનો દુખાવો, ઢીંચણનો ઘસારો, માનસિક તાણ અને મહિલાઓના રોગો જેવી બીમારીઓ માટે ઓછામાં ઓછા 10 દેશોમાં આયુર્વેદિક ઈન્સ્યોરન્સ કવર મેળવવું.
- વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આયુર્વેદ સેન્ટર ઓફ એક્સેલન્સ નું નેટવર્ક ઊભું કરવું, જ્યાં સારવાર, શિક્ષણ અને સંશોધન એકસાથે થઈ શકે.
- વર્ષ 2047 સુધીમાં આયુર્વેદને દુનિયાભરમાં વૈજ્ઞાનિક પુરાવા આધારિત અને સંપૂર્ણપણે વિશ્વસનીય હેલ્થકેર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવી.
નિષ્કર્ષ
- નીતિ આયોગ નો આ રોડમેપ આયુર્વેદને સ્પા અને વેલનેસ સેન્ટરોમાંથી બહાર કાઢીને સત્તાવાર આંતરરાષ્ટ્રીય મેડિકલ સ્ટોર સુધી પહોંચાડશે.
- પ્રાચીન જ્ઞાન સાથે આધુનિક વૈજ્ઞાનિક પુરાવા જોડવાથી ભારત ચાઈનીઝ ટ્રેડિશનલ મેડિસિન ની બરાબરી કરી શકશે.
- સરખા નિયમો અને લાયસન્સ પદ્ધતિથી ભારતની સાંસ્કૃતિક ઓળખ ખરેખર મોટા આર્થિક ફાયદામાં બદલાશે.
- આ વ્યૂહરચના દ્વારા વર્ષ 2047 સુધીમાં આયુર્વેદ વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રનો એક મજબૂત અને વિશ્વાસપાત્ર સ્તંભ બનશે.