ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી પેસેન્જર ટ્રેન

ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી પેસેન્જર ટ્રેન

#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #ઉર્જા #પર્યાવરણ #ટકાઉ વિકાસ #અર્થતંત્ર #માળખાકીય સુવિધાઓ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • વડાપ્રધાન 17 જુલાઈ 2026 ના રોજ હરિયાણાના જીંદ ખાતેથી ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપશે.

હાઇડ્રોજન ટ્રેન વિશે

  • આ ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત એવી હાઇડ્રોજન-ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (HEMU) ટેકનોલોજી પર કામ કરે છે.
  • એન્જિનિયરોએ જૂની DEMU ટ્રેનોમાં સુધારો કરીને તેમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અને લિથિયમ બેટરી લગાવી છે, જેથી વીજળીના તાર કે ડીઝલની જરૂર નહીં પડે.

નિર્માણ અને હેતુ

  • ઉત્તર રેલવે દ્વારા ₹136 કરોડ ના ખર્ચે આ પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં હૈદરાબાદની મેધા સર્વો ડ્રાઇવ્સ કંપનીએ સાધનસામગ્રી પૂરી પાડી છે.
  • આ ટ્રેનમાં વપરાતા ખાસ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કેનેડાની બાલાર્ડ પાવર સિસ્ટમ્સ કંપની પાસેથી મંગાવવામાં આવ્યા છે.
  • આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વીજળીના તાર વગરના અને ટૂંકા રેલવે રૂટ પર પર્યાવરણને અનુકૂળ એવી ગ્રીન ટ્રેન સેવા શરૂ કરવાનો છે.

કામ કરવાની પદ્ધતિ

  • ટેન્કમાંથી મળતા હાઇડ્રોજન વાયુ અને બહારની હવાના ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને વીજળી પેદા થાય છે, જેમાં ફક્ત પાણીની વરાળ અને ગરમી બહાર નીકળે છે.
  • જ્યારે ટ્રેન ચાલુ થાય કે સ્પીડ પકડે ત્યારે લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી આપોઆપ વધારાની વીજળી પૂરી પાડે છે.
  • ટ્રેન ધીમી પડે કે બ્રેક વાગે ત્યારે ફ્યુઅલ સેલની વધારાની વીજળીથી આ LFP બેટરી ફરી ચાર્જ થઈ જાય છે, જેથી તે હંમેશા 80% જેટલી ચાર્જ રહે છે.

મુખ્ય સંચાલન અને તકનીકી વિશેષતાઓ

  • આ દુનિયાની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે, જેમાં 8 પેસેન્જર કોચ અને 2 પાવર કાર છે જે 2400 kW (3200 hp) પાવર આપે છે.
  • આ ટ્રેન હરિયાણાના 89 કિમી લાંબા જીંદ-સોનીપત રૂટ પર દોડશે અને એક ફેરામાં 682 મુસાફરો મુસાફરી કરી શકશે.
  • ટ્રેન દરરોજ 75 કિમી/કલાક ની ઝડપે બે ફેરા મારશે અને દિવસ દરમિયાન આશરે 300 કિલો હાઇડ્રોજન વાપરશે.
  • ટ્રેનની દરેક પાવર કારમાં 200 થી 500 બાર ના દબાણે 440 કિલો હાઇડ્રોજન સંગ્રહ કરવાની ક્ષમતા છે.
  • રેલવેએ આ ટ્રેનમાં ઇંધણ ભરવા માટે જીંદ ખાતે 3,000 કિલો ક્ષમતા નુ ખાસ હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશન બનાવ્યું છે.
  • આ સ્ટેશન પર ગેસને -15 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો કરવા માટે ચિલર પ્લાન્ટ મુકાયો છે, જેથી ઝડપથી અને સુરક્ષિત રીતે ઇંધણ ભરી શકાય.