
ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ રસી Qdenga ને મળી મંજૂરી
#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #આરોગ્ય #GS-3 #વિજ્ઞાન અને ટેકનોલોજી #બાયોટેકનોલોજી #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #ડેન્ગ્યુ વેક્સિન #સીડીએસસીઓ
શા માટે ચર્ચામાં છે?
- સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા Qdenga રસીને ભારતમાં વેચાણ માટે લીલી ઝંડી આપાઈ છે, જે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી છે.
- ભારતમાં ડેન્ગ્યુના કેસો ખુબ વધારે નોંધાય છે, તેવા સમયે આ મંજૂરી આરોગ્ય ક્ષેત્રે મોટો સુધારો લાવશે.
- છેલ્લા 20 વર્ષમાં ભારતમાં ડેન્ગ્યુના નોંધાયેલા કેસોમાં લગભગ 11 ગણો મોટો વધારો થયો છે.
પડકારો
- શહેરોનો ઝડપી વિકાસ અને વધતી વસ્તીના કારણે મચ્છરોને પ્રજનન માટે નવી જગ્યાઓ મળી રહી છે.
- હવામાનમાં ફેરફારો થવાથી મચ્છરો લાંબો સમય જીવે છે અને નવા વિસ્તારોમાં રોગ ફેલાવે છે.
- ડેન્ગ્યુ વાયરસના 4 અલગ-અલગ પ્રકાર (સેરોટાઇપ) હોવાથી દર્દીને ચારેય પ્રકાર સામે એકસાથે રક્ષણ આપવું અઘરું કામ છે.
- જૂની ડેન્ગ્યુ રસી આપતા પહેલાં લોહીનો ટેસ્ટ કરવો પડતો હતો, જેના કારણે મોટો સમુદાય રસીથી વંચિત રહી જતો હતો.
Qdenga રસીની મુખ્ય વિશેષતાઓ
- Qdenga (જેનું બીજું નામ TAK-003 છે) એ જર્મનીની Takeda GmbH કંપની દ્વારા બનાવવામાં આવેલી 'લાઇવ-એટેન્યુએટેડ' રસી છે.
- આ રસી ડેન્ગ્યુ વાયરસ ટાઇપ-2 ના મુખ્ય માળખાનો ઉપયોગ કરીને બનાવાઈ છે, જે DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 ચારેય પ્રકાર સામે રક્ષણ આપે છે.
- ભારતમાં આ રસીનું વેચાણ અને વિતરણ M/s Takeda Biopharmaceuticals India Pvt. Ltd. કંપની દ્વારા કરવામાં આવશે.
- 4 થી 60 વર્ષ ની ઉંમરના કોઈપણ વ્યક્તિ આ રસી મૂકાવી શકે છે, પછી ભલે તેમને ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો હોય કે ન થયો હોય.
- આ રસી મૂકાવતા પહેલાં લોહીનો કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, જેથી લોકોને રસી આપવી ખૂબ સરળ બનશે.
- દર્દીને 0.5 મિલી ના બે ડોઝ ચામડીની નીચે મૂકવામાં આવશે, જેમાં પહેલા અને બીજા ડોઝ વચ્ચે 3 મહિના નો સમયગાળો રહેશે.
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માન્યતા ધરાવતી આ રસીને યુકે અને યુરોપિયન યુનિયન સહિત 40 થી વધુ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે.
- વિશ્વભરમાં આ રસીના 2.4 કરોડથી 3.2 કરોડ ડોઝ દર્દીઓને અપાઈ ચૂક્યા છે.
- ભારતમાં યોજાયેલા ત્રીજા તબક્કાના પ્રયોગો (Phase III trials) માં આ રસી ભારતીય લોકો માટે સંપૂર્ણ સલામત અને અસરકારક સાબિત થઈ છે.
ડેન્ગ્યુ રોગ વિશે માહિતી
- ડેન્ગ્યુ એ મચ્છર કરડવાથી થતો તાવ છે, જે ફ્લેવીવાયરસ (Flavivirus) પ્રજાતિના વાયરસથી થાય છે.
- આ રોગ મુખ્યત્વે માદા Aedes aegypti મચ્છર કરડવાથી ફેલાય છે.
- આ જ મચ્છર ચિકનગુનિયા, પીળો તાવ (યલો ફીવર) અને ઝીકા જેવા અન્ય ગંભીર રોગો પણ ફેલાવે છે.
- દર્દીને અચાનક સખત તાવ આવવો, માથું દુખવું, આંખોની પાછળ દુખાવો થવો અને સ્નાયુઓ તથા સાંધામાં અસહ્ય દુખાવો થવો એ આના મુખ્ય લક્ષણો છે.
- વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મતે દુનિયામાં દર વર્ષે આશરે 39 કરોડ લોકોને ડેન્ગ્યુનો ચેપ લાગે છે, જેમાંથી 9.6 કરોડ લોકોમાં લક્ષણો દેખાય છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન
- CDSCO એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ દવાઓ અને તબીબી ઉપકરણોનું નિયંત્રણ કરતી મુખ્ય સંસ્થા છે.
- નવી દિલ્હી માં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ના નેજા હેઠળ કામ કરે છે.
- તેને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને ડ્રગ્સ રૂલ્સ, 1945 હેઠળ કાનૂની સત્તાઓ મળેલી છે.
- દેશમાં નવી દવા કે રસી વેચતા પહેલા તેની ગુણવત્તા, સલામતી અને અસરોની વૈજ્ઞાનિક તપાસ કરવાની જવાબદારી આ સંસ્થાની છે.
- તે ક્લિનિકલ ટ્રાયલ પર નજર રાખે છે, વિદેશી દવાઓની આયાતના લાયસન્સ આપે છે અને નકલી દવાઓ અટકાવવા રાજ્યના અધિકારીઓ સાથે મળીને કામ કરે છે.