
ડ્રાફ્ટ નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસી 2026: મુખ્ય બાબતો અને મહત્વ
#જીએસ-2 #જીએસ-3 #શાસન અને સામાજિક ન્યાય #આરોગ્ય #શિક્ષણ #વિજ્ઞાન અને ટેકનોલોજી #આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ (DHR) દ્વારા ડ્રાફ્ટ નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસી 2026 જાહેર કરવામાં આવી છે.
- ભારત સરકારે પહેલી વાર મેડિકલ સાયન્સ, ક્લિનિકલ ટ્રીટમેન્ટ, જાહેર આરોગ્ય, ડિજિટલ હેલ્થ અને એઆઈને એક જ છત નીચે લાવવા આ નીતિ બનાવી છે.
- આ નીતિનો મુખ્ય હેતુ દેશમાં થતા તબીબી સંશોધનોને લોકોની વાસ્તવિક બીમારીઓ અને આરોગ્યની જરૂરિયાતો સાથે સીધા જોડવાનો છે.
ડ્રાફ્ટ નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસી 2026 ની મુખ્ય બાબતો
- આ નીતિ હેઠળ National Health Research Agenda (NHRA) બનાવવામાં આવશે, જે દેશમાં બીમારીઓના પ્રમાણ અને જરૂરિયાત મુજબ સંશોધનના વિષયો નક્કી કરશે.
- આ યોજનામાં ત્રણ સ્તરનું માળખું રહેશે: નીતિ વિષયક માર્ગદર્શન માટે સ્ટીઅરશીપ કમિટી, અમલ માટે DHR અને ટેકનિકલ બાબતો માટે ICMR કામ કરશે.
- હવે સંશોધકોનું મૂલ્યાંકન માત્ર રિસર્ચ પેપર કે પેટન્ટના આધારે નહીં થાય, પણ 2025 માં શરૂ કરાયેલ ICMR-IRIS સ્કેલ દ્વારા સમાજ પર પડેલી વાસ્તવિક અસરના આધારે થશે.
- ભારત અત્યારે તેના જીડીપીના માત્ર 0.024% નાણાં હેલ્થ રિસર્ચ પર ખર્ચે છે, જેને વધારીને 2037 સુધીમાં 0.072% અને 2047 સુધીમાં 0.15% કરવાનો લક્ષ્યાંક છે.
- ટીબી અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જેવી જૂની બીમારીઓ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), જીન થેરાપી, પ્રિસિઝન મેડિસિન અને આબોહવા પરિવર્તનની આરોગ્ય પર અસર જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન અપાશે.
- સરકારી ગ્રાન્ટથી બનેલી પ્રયોગશાળાઓ અને સુવિધાઓ દેશની તમામ સંસ્થાઓ માટે ઉપલબ્ધ કરાશે જેથી સાધનોનો બગાડ અટકે.
- સંશોધનમાં પ્રામાણિકતા, ડેટા સુરક્ષા અને સાયબર સિક્યોરિટી જળવાય તે માટે કડક નૈતિક નિયમો બનાવવામાં આવશે.
નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસીની જરૂરિયાત
- ભારતમાં સંશોધનનું કામ ICMR, DBT, CSIR અને AIIMS જેવી અલગ-અલગ સંસ્થાઓમાં વહેંચાયેલું હોવાથી સંકલનનો અભાવ રહે છે અને કામ બેવડાય છે.
- મોટા ભાગની સુવિધાઓ મોટી સંસ્થાઓ પાસે જ છે, જેના લીધે નાના શહેરોની Tier-II અને Tier-III મેડિકલ કોલેજોમાં સંશોધન માટે સાધનો કે નિષ્ણાતો મળતા નથી.
- દેશમાં અત્યારે ચેપી રોગો, બિન-ચેપી રોગો (NCDs) અને વાતાવરણ બદલાવાથી થતા રોગો એકસાથે વધી રહ્યા છે, પણ સંશોધનમાં આ બાબત યોગ્ય રીતે ધ્યાને લેવાતી નથી.
- માત્ર રિસર્ચ પેપર છાપવા પર ભાર મૂકાતો હોવાથી સંશોધનોનો લાભ સામાન્ય દર્દીઓ કે સરકારી આરોગ્ય નીતિઓ સુધી પહોંચતો નથી.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ હેલ્થ જેવા નવા ક્ષેત્રો ઝડપથી વધી રહ્યા છે, જેની સામે જૂના સરકારી નિયમો ધીમા પડી રહ્યા છે.
- ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી ઇન્ડેક્સ (2021) માં ભારત 195 દેશોમાંથી 66મા ક્રમે હતું, તેથી રોગચાળા સામે લડવાની ક્ષમતા સુધારવી જરૂરી છે.
- ચોરી કરેલ કન્ટેન્ટ અને ખોટા આંકડા દર્શાવવા જેવી બાબતોને કારણે ભારતીય સંશોધનોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થાય છે.
ભારતમાં આરોગ્ય સંશોધનને પ્રોત્સાહન આપતી પહેલો
- ICMR દ્વારા National Health Research Programme (NHRP) ચલાવવામાં આવે છે, જેમાં ટીબી અને કેન્સર જેવા રોગો પર કામ કરવા પ્રોજેક્ટ દીઠ રૂ. 25 કરોડ સુધીની ગ્રાન્ટ મળે છે.
- નવા સંશોધનોને વેગ આપવા ICMR દ્વારા First in the World Challenge (FIWC), અન્વેષણ ગ્રાન્ટ અને નિશ્ચયક ગ્રાન્ટ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
- DHR દ્વારા માનવ સંસાધન વિકાસ (HRD) યોજના ચલાવાય છે, જેમાં મહિલા વૈજ્ઞાનિક ફેલોશિપ અને સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ આપીને નવા વૈજ્ઞાનિકો તૈયાર કરાય છે.
- સંશોધન સુધારવા માટે દેશભરની કોલેજોમાં Multi-Disciplinary Research Units (MRUs), MRHRUs અને VRDLs લેબોરેટરીઓનું નેટવર્ક ઊભું કરાઈ રહ્યું છે.
- દેશમાં સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવા અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF) ની સ્થાપના કરવામાં આવી છે.
- વર્ષ 2026 માં ISRO અને AIIMS વચ્ચે કરાર થયો છે, જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન જેવા સ્પેસ મિશન માટે સ્પેસ મેડિસિન સુવિધાઓ વિકસાવશે.
આગળનો માર્ગ
- ભારતે જેનરિક દવાઓ બનાવવાની સાથે સાથે હવે નવી દવાઓની શોધ કરતી સંશોધન પ્રયોગશાળા બનવા તરફ આગળ વધવું પડશે.
- સરકારે રૂ. 1 લાખ કરોડ ના ANRF ફંડનો યોગ્ય ઉપયોગ કરવો પડશે અને CDSCO તરફથી મળતી મંજૂરીઓની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે.
- સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારી મજબૂત કરીને જ ભારત આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે.