
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ 2024: ભારતમાં જન્મ અને મરણની નોંધણી 99 ટકાથી વધી
#GS-1 #GS-2 #વસતી #સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ #સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- તાજેતરના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) રિપોર્ટ 2024 અનુસાર ભારતમાં વર્ષ 2024 દરમિયાન અંદાજિત કુલ જન્મ અને મરણના 99% થી વધુ કિસ્સા નોંધાયા છે.
- વર્ષ 2024 માં જન્મ નોંધણી 99.1% અને મરણ નોંધણી 99.4% સુધી પહોંચી છે, જે વર્ષ 2000 ની સરખામણીએ મોટો સુધારો દર્શાવે છે જ્યારે જન્મ નોંધણી માત્ર 56% અને મરણ નોંધણી 48% હતી.
રિપોર્ટ વિશે
- ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) હેઠળ કાર્યરત ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી દ્વારા આ વાર્ષિક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે.
- આ સરકારી વ્યવસ્થા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 હેઠળ જન્મ, મરણ અને મૃત શિશુના જન્મની સતત નોંધણી કરે છે, જેમાં વર્ષ 2023 માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા.
- આ કાયદાકીય સિસ્ટમ વર્ષ 1970 થી અમલમાં છે, પરંતુ શરૂઆતના દાયકાઓમાં નોંધણીનું પ્રમાણ ઘણું ઓછું રહેતું હતું.
CRS રિપોર્ટ 2024 ના મુખ્ય તારણો
- વર્ષ 2024 દરમિયાન દેશમાં અંદાજિત જન્મમાંથી 99.1% કિસ્સાઓની સફળતાપૂર્વક નોંધણી થઈ છે, જે સરકારી કામગીરીની સુધારણા બતાવે છે.
- મરણ નોંધણીનું પ્રમાણ 2024 માં 99.4% પર પહોંચ્યું છે, જે દર્શાવે છે કે મરણની નોંધણી હવે જન્મ નોંધણી જેટલી જ ઝડપી થઈ ગઈ છે.
- દેશના કુલ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ જન્મની 100% નોંધણી મેળવી છે, જ્યારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં મરણની 100% નોંધણી થઈ છે.
- છેલ્લા બે દાયકામાં નોંધણીમાં મોટો સુધારો થયો છે, વર્ષ 2000 માં નોંધણી ફક્ત 56% જન્મ અને 48% મરણ હતી, જે વર્ષ 2014 માં વધીને અનુક્રમે 86.6% અને 72.5% થઈ ગઈ હતી.
- મોટા ભાગની નોંધણી થઈ જતી હોવા છતાં, ઘણા પરિવારો હજુ પણ નિયત 21-દિવસ ની સમયમર્યાદામાં નોંધણી કરાવવામાં મોડું કરે છે.
- બાળ મરણની નોંધણીમાં હજુ મોટો તફાવત છે, કારણ કે નોંધાયેલા શિશુ મરણમાંથી 84.2% શહેરી વિસ્તારોમાંથી છે અને માત્ર 15.8% ગ્રામીણ વિસ્તારોમાંથી છે.
- મરણની નોંધણી થવાનો અર્થ એ નથી કે મૃત્યુનું ચોક્કસ તબીબી કારણ પ્રમાણિત થયેલું છે, જેના કારણે રોગચાળાના અભ્યાસ માટે આ ડેટાનો મર્યાદિત ઉપયોગ થાય છે.
- નોંધણીના ટકા સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ ના અંદાજો પર આધારિત છે, તેથી જો મૂળ અંદાજમાં ભૂલ હોય તો નોંધણીનો આંકડો થોડો વધારે દેખાઈ શકે છે.
સિવિલ રજીસ્ટ્રેશનનું મહત્વ
- આ ડેટા દેશમાં કુલ વસ્તી, પ્રજનન દર, મૃત્યુદર અને જન્મ સમયે જાતિ પ્રમાણ જાણવા માટે પાયાની માહિતી આપે છે.
- ચોક્કસ આંકડા હોવાથી સરકાર આરોગ્ય યોજનાઓ અને સામાજિક કલ્યાણના કાર્યક્રમો વધુ સારી રીતે બનાવી શકે છે.
- જિલ્લા અને તાલુકા કક્ષાએ પંચાયતી રાજ અને સ્થાનિક વહીવટને જરૂરી સુવિધાઓનું આયોજન કરવામાં મદદ મળે છે.
- જન્મ અને મરણના પ્રમાણપત્રો શાળામાં પ્રવેશ, વિમાના દાવા, મિલકત ટ્રાન્સફર અને સરકારી યોજનાઓના લાભ માટે કાયદાકીય પુરાવો આપે છે.
- સમયસર નોંધણીથી દેશમાં થતા રોગો અને મૃત્યુના વલણો સમજી શકાય છે, જે કોરોના જેવી મહામારી વખતે ઉપયોગી સાબિત થાય છે.
જન્મ અને મરણની નોંધણી અંગેની જોગવાઈઓ
- RBD Act, 1969 ના નિયમ પ્રમાણે દરેક જન્મ અને મરણની નોંધણી જે-તે સ્થળે કરાવવી ફરજિયાત છે.
- કેન્દ્ર સ્તરે રજિસ્ટ્રાર જનરલ કામગીરી સંભાળે છે, જ્યારે રાજ્ય અને જિલ્લા સ્તરે ચીફ રજિસ્ટ્રાર અને સ્થાનિક રજિસ્ટ્રાર દાખલા આપવાનું કામ કરે છે.
- ઓક્ટોબર 2023 થી કાયદામાં ફેરફાર કરીને તમામ નવી નોંધણી ઓનલાઇન પોર્ટલ દ્વારા જ કરવાનો નિયમ બનાવ્યો છે.
- જન્મ, મરણ કે 28 અઠવાડિયા પછીના મૃત શિશુના જન્મની જાણ 21 દિવસ ની અંદર કરવાની હોય છે, ત્યારબાદ મોડી નોંધણી ફી લાગે છે.
- વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોના બાળકોના જન્મની નોંધણી Citizenship Act 1955 હેઠળ ભારતીય દૂતાવાસમાં કરાવવી પડે છે.
- જો માતા-પિતા કાયમ માટે ભારત પાછા ફરે તો RBD Act, 1969 ની કલમ 20 મુજબ ભારતમાં આવ્યાના 60 દિવસ માં નોંધણી કરાવી શકાય છે.
- વિદેશમાં થતા ભારતીય નાગરિકોના મૃત્યુની નોંધણી દૂતાવાસ કરે છે અને તે ભારતના કાયદા મુજબ માન્ય ગણાય છે.
- જો કોઈ રજિસ્ટ્રાર અધિકારી પોતાની ફરજમાં બેદરકારી દાખવે તો તેમને રૂ. 1,000 સુધીનો દંડ થઈ શકે છે.
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા
- વર્ષ 1949 માં Ministry of Home Affairs હેઠળ સ્થાપિત આ સંસ્થા દર દસ વર્ષે થતી Census of India અને ભાષાકીય સર્વેક્ષણનું સંચાલન કરે છે.
- આ સંસ્થા દેશમાં જન્મ-મરણ નોંધણી કાયદાનો અમલ કરાવે છે અને ડિજિટલ પોર્ટલનું સંચાલન કરે છે.
- આ જ કાર્યાલય દેશના તમામ સામાન્ય રહીશોની વિગતો રાખવા માટે National Population Register (NPR) પણ તૈયાર કરે છે.
- આ સંસ્થાના વડા Joint Secretary rank ધરાવતા વરિષ્ઠ IAS કે સિવિલ સર્વિસ અધિકારી હોય છે.