
શિપકી લા પાસ મારફતે ભારત-ચીન વચ્ચે વેપાર પુનઃ શરૂ થયો
#GS-1 #ભૂગોળ #ભૌતિક ભૂગોળ #GS-3 #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #આંતરરાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- ભારત અને ચીન વચ્ચે શિપકી લા પાસ મારફતે સરહદી વેપાર 1 ઓગસ્ટ 2026 ના રોજ ફરી શરૂ થયો છે.
- કોવિડ-19 મહામારી ને કારણે બંધ રહેલો આ દ્વિપક્ષીય વેપાર 6 વર્ષ ના વિરામ પછી ફરી શરૂ થયો છે.
શિપકી લા પાસ: સામાન્ય પરિચય
- શિપકી લા પાસ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં દરિયાઈ સપાટીથી 4,000 મીટર થી વધુ ઊંચાઈ પર આવેલો પર્વતીય માર્ગ છે.
- આ પાસ ભારત અને તિબેટ સ્વાયત્ત પ્રદેશ વચ્ચેની ભારત-ચીન સરહદ પર સ્થિત છે.
- આ પર્વતીય માર્ગને પહેલાં પેમા લા અથવા શેર્ડ ગેટ તરીકે ઓળખવામાં આવતો હતો.
- ઈસવીસન 1962 ના યુદ્ધ પછી ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા તેને શિપકી લા નામ આપવામાં આવ્યું હતું.
ભૌગોલિક સ્થિતિ અને ભૂપૃષ્ઠ
- સતલુજ નદી, જેને તિબેટમાં લાંગચેન ઝાંગબો કહેવાય છે, તે શિપકી લા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે.
- ભારતના છેલ્લા ગામ નામગિયા થી શિપકી લા સુધીનો 28 કિમી નો વિસ્તાર એકદમ ઉજ્જડ અને ખડકાળ છે.
- શિયાળાના મહિનાઓમાં ભારે બરફવર્ષાને કારણે આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.
વ્યૂહાત્મક મહત્વ
- શિપકી લાનું લશ્કરી દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે, કારણ કે ભારતીય ચોકીઓ ચીનની ચોકીઓ કરતાં વધુ ઊંચાઈ પર આવેલી છે.
- આ વિસ્તારમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે જરૂરી ઘણી મહત્વની ઇમારતો અને સુરક્ષા સુવિધાઓ બનાવેલી છે.
ઐતિહાસિક મહત્વ
- આ પાસ પ્રાચીન સિલ્ક રૂટ નો એક મહત્વનો ભાગ છે, જેના દ્વારા સદીઓથી તિબેટ અને હિમાચલ પ્રદેશ વચ્ચે વેપાર થતો હતો.
- આઝાદી પહેલાં તિબેટીયન વેપારીઓ શિપકી લા અને જૂના હિન્દુસ્તાન-તિબેટ રોડ નો ઉપયોગ કરીને ખાસ કરીને લવી મેળા વખતે રામપુર બુશહર આવતા હતા.
વેપાર અને વસ્તુ વિનિમય પ્રથા
- ઈસવીસન 1962 ના ભારત-ચીન યુદ્ધ પછી આ રસ્તો બંધ થયો હતો, જે 1990 ના દાયકાની શરૂઆતમાં દ્વિપક્ષીય કરાર બાદ ફરી ખોલવામાં આવ્યો હતો.
- બરફ પીગળ્યા પછી દર વર્ષે જૂન મહિનાથી થોડા મહિનાઓ માટે જ આ વેપાર મોસમી ધોરણે ચાલે છે.
- અહીંથી મુખ્યત્વે ઊન, પશુઓ, યાકના ઉત્પાદનો, ધાર્મિક વસ્તુઓ અને ખનિજોની આયાત થાય છે.
- ભારતમાંથી અનાજ, મસાલા, તમાકુ, લાકડું અને ધાતુના ઓજારોની નિકાસ કરવામાં આવે છે.
- આ પાસની ખાસ વાત એ છે કે અહીં નાણાંના બદલે પરંપરાગત વસ્તુ વિનિમય પદ્ધતિ (બાર્ટર સિસ્ટમ) થી વેપાર થાય છે.
- તેની સરખામણીમાં ઉત્તરાખંડના લિપુલેખ પાસ અને સિક્કિમના નાથુ લા પાસ પર સામાન્ય ચલણી નાણાં દ્વારા વેપાર થાય છે.