
લેબ-ગ્રોન ડાયમંડ: ટકાઉ હીરા ઉત્પાદન તરફ ભારતનું કદમ
#GS-1 #ભૂગોળ #સંસાધનો #ઉદ્યોગો #GS-2 #શાસન અને સામાજિક ન્યાય #GS-3 #અર્થતંત્ર #વિજ્ઞાન અને ટેકનોલોજી #પર્યાવરણ #શાશ્વત વિકાસ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #લેબ-ગ્રોન ડાયમંડ #કિમ્બરલે પ્રોસેસ
શા માટે ચર્ચામાં છે?
- કુદરતી હીરાની ખાણો ખાલી થઈ રહી છે અને ઉત્ખનનથી પર્યાવરણ તથા સમાજ પર માઠી અસર પડે છે. તેથી હવે દુનિયાભરમાં લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ને એક સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે.
- ભારત પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. દેશમાં જ સંશોધન અને નવી ટેકનોલોજી દ્વારા કૃત્રિમ હીરાનું ઉત્પાદન વધારવા સરકાર વેગ આપી રહી છે.
લેબ-ગ્રોન ડાયમંડ (LGD) શું છે?
- લેબ-ગ્રોન ડાયમંડ એટલે પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં તૈયાર કરેલા કૃત્રિમ હીરા. કેમિકલ, ભૌતિક અને દેખાવની દ્રષ્ટિએ આ હીરા કુદરતી હીરા જેવા જ હોય છે, કારણ કે બંનેની કાર્બન રચના એક સરખી છે.
- કુદરતી હીરા જેવી જ ચમક, મજબૂતી અને કિંમતી ગુણો આ લેબ-ગ્રોન ડાયમંડમાં જોવા મળે છે.
- કુદરતી હીરાના ખોદકામથી પર્યાવરણને નુકસાન થાય છે અને યુદ્ધ તેમજ હિંસાનું ફંડિંગ પણ થાય છે, જેને બ્લડ ડાયમંડ કહે છે. લેબ-ગ્રોન હીરામાં આવું કોઈ જોખમ નથી હોતું અને તેનો સ્ત્રોત સરળતાથી જાણી શકાય છે.
- નવી ટેકનોલોજી અને લેબ મશીનોના લીધે હવે આ હીરા બનાવવાનો ખર્ચ ઘણો ઘટી ગયો છે. પરિણામે સામાન્ય ગ્રાહકો માટે આ હીરા ખરીદવા પરવડે તેવા બન્યા છે.
- લેબમાં હીરા બનાવવા માટે મુખ્યત્વે બે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે કાર્બનમાંથી હીરા બનાવે છે.
- HPHT (હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) પદ્ધતિ 1954 માં શરૂ થઈ હતી. આમાં પૃથ્વીના પેટાળ જેવું જ ભારે દબાણ અને ઊંચું તાપમાન ઉત્પન્ન કરીને કાર્બનમાંથી હીરા બનાવવામાં આવે છે.
- આ ભારે દબાણ અને ગરમીને કારણે કાર્બન જામી જાય છે અને હીરાનું સ્વરૂપ લે છે.
- CVD (કેમિકલ વેપર ડિપોઝિશન) પદ્ધતિ 1962 માં આવી હતી. આમાં એક સીલ બંધ ચેમ્બરમાં 'હીરાનું બીજ' મૂકીને મિથેન જેવા કાર્બન યુક્ત ગેસ ભરવામાં આવે છે.
- આ ગેસમાંથી પ્લાઝ્મા બનાવવામાં આવે છે, જેથી કાર્બનના કણો છૂટા પડીને હીરાના બીજ પર એક પછી એક પડ બનાવે છે.
- ખાણમાંથી હીરા કાઢવા જતાં જંગલો કપાય છે, જમીન ધોવાય છે અને પુષ્કળ પાણી બગડે છે. લેબ ડાયમંડથી આ બધી પર્યાવરણીય તકલીફોથી બચી શકાય છે.
- જો આ હીરા કોલસાની વીજળીને બદલે સોલાર કે પવન ઊર્જાથી બનાવાય, તો પ્રદૂષણ ખૂબ ઓછું થાય છે. આ બાબત સંયુક્ત રાષ્ટ્રના શાશ્વત વિકાસ લક્ષ્યો (SDGs) ને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
- આ હીરા ખૂબ કડક અને ગરમી સહન કરી શકે તેવા હોવાથી માત્ર દાગીનામાં જ નહીં, પણ ઉદ્યોગોમાં પણ કામ આવે છે.
- ભારે ઉદ્યોગોના કટીંગ ટૂલ્સ, કમ્પ્યુટર ચિપ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને મશીનો પર રક્ષણાત્મક પડ ચડાવવામાં આ હીરાનો ઉપયોગ થાય છે.
સ્વદેશી ઉત્પાદન માટે ભારતનું પ્રોત્સાહન
- કેન્દ્રીય બજેટ 2023-24 માં સરકારે દેશમાં જ HPHT અને CVD ટેકનોલોજીનું સંશોધન વધારવા માટે આર્થિક મદદ અને યોજનાઓની જાહેરાત કરી છે.
- ભારત વિશ્વના લગભગ 90% કાચા હીરાને કટ અને પોલિશ કરે છે, જે વૈશ્વિક હીરા વેપારના મૂલ્યમાં 75% ફાળો આપે છે.
- વર્ષ 2023 માં ભારતે 30 લાખથી વધુ લેબ-ગ્રોન હીરા બનાવીને વિશ્વના કુલ ઉત્પાદનમાં 15% થી વધુ હિસ્સો મેળવ્યો છે.
- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે IIT મદ્રાસ ખાતે ઇન્ડિયા સેન્ટર ફોર લેબ-ગ્રોન ડાયમંડ (InCent-LGD) સ્થાપવા માટે 5 વર્ષ માટે રૂ. 243 કરોડ ની ગ્રાન્ટ આપી છે.
- આ સેન્ટરનો મુખ્ય હેતુ હીરા બનાવવાના મશીનો અને હીરાના બીજ દેશમાં જ તૈયાર કરવાનો છે, જેથી ભારત વિશ્વમાં આ ક્ષેત્રનું મોટું હબ બની શકે.
કુદરતી હીરાના ઉત્ખનન અંગેની ચિંતાઓ
- ઓસ્ટ્રેલિયાની અર્ગાઈલ અને કેનેડાની ડાયાવિક જેવી મોટી હીરાની ખાણો ખાલી થઈ રહી છે. દુનિયાને 90% હીરા આપતી ખાણો આગામી 50 વર્ષ માં બંધ થઈ જશે.
- ખાણમાં કામ કરતા મજૂરોને એસ્બેસ્ટોસના રજકણો શ્વાસમાં જવાથી ફેફસાની ગંભીર બીમારીઓ અને કેન્સર થવાનું જોખમ રહે છે.
- ગેરકાયદેસર રીતે ખોદાયેલા હીરાથી હિંસક સંગઠનો અને યુદ્ધોને પૈસા મળે છે. કિમ્બરલે પ્રોસેસ હોવા છતાં ચોરીછૂપીથી હીરાની હેરાફેરી ચાલુ રહે છે.
- વર્ષ 2026 માટે ભારતે કિમ્બરલે પ્રોસેસ (KP) નું અધ્યક્ષપદ સંભાળ્યું છે. KPCS ના સ્થાપક સભ્ય તરીકે ભારત હવે હિંસા મુક્ત અને પારદર્શક હીરા વેપાર માટે વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કરશે.
ભારતમાં હીરાના સંસાધનો
- ભારત પ્રાચીન સમયથી હીરાનું ઉત્પાદન કરતો દેશ છે, જ્યાં ઈસવીસન પૂર્વે 5મી સદી થી હીરાનું ખોદકામ થાય છે.
- 16મી અને 17મી સદી દરમિયાન આંધ્રપ્રદેશનું ગોલકોંડા વિશ્વનું સૌથી મોટું હીરા વેપાર કેન્દ્ર હતું.
- કોહીનૂર, ગ્રેટ મોગલ, હોપ, નિઝામ, પિટ, ઓર્લોફ અને દરિયા-ઈ-નૂર જેવા જગપ્રસિદ્ધ હીરા ભારતમાંથી જ મળ્યા હતા. 1726 માં બ્રાઝિલમાં નવી ખાણો મળી ત્યાં સુધી ભારત પ્રથમ ક્રમે હતું.
- હાલમાં મધ્યપ્રદેશના પન્નામાં આવેલી મઝગવાં હીરા ખાણ ભારતની એકમાત્ર ચાલુ મશીનરીવાળી ખાણ છે, જેને સરકારી કંપની NMDC ચલાવે છે.
- મધ્યપ્રદેશનો પન્ના બેલ્ટ, આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી, ઓડિશાની મહાનદી અને મહારાષ્ટ્રનું વૈરાગઢ ભારતની મુખ્ય ઐતિહાસિક હીરા ક્ષેત્રો છે.
- મધ્યપ્રદેશની મઝગવાં પાઈપ અને આંધ્રપ્રદેશની વજ્રકરુર પાઈપ એ હીરા ધરાવતી મુખ્ય કિંબરલાઈટ ખડક રચનાઓ છે.