હિમાલયન યાક અને નવી સ્માર્ટ ટ્રેકિંગ ટેકનોલોજી

હિમાલયન યાક અને નવી સ્માર્ટ ટ્રેકિંગ ટેકનોલોજી

#GS-3 #પર્યાવરણ #જૈવવિવિધતા #વન્યજીવન #GS-2 #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય #હિમાલયન યાક #આઈઓટી સ્માર્ટ કોલર

શા માટે ચર્ચામાં છે?

  • ICAR ના નેશનલ રિસર્ચ સેન્ટર ઓન યાક (NRC-Y) અને આસામ ડોન બોસ્કો યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોએ એક નવું સાધન બનાવ્યું છે.
  • તેમણે હિમાલયના ઊંચા વિસ્તારોમાં રહેતા યાક માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) આધારિત સ્માર્ટ કોલર સિસ્ટમ તૈયાર કરી છે.

હિમાલયન યાક વિશે માહિતી

  • પાલતુ યાકનું વૈજ્ઞાનિક નામ Bos grunniens છે. તેને હિમાલયનું વહાણ પણ કહેવામાં આવે છે.
  • આ લાંબા વાળવાળું અને મજબૂત શરીર ધરાવતું પ્રાણી પર્વતીય લોકો માટે ખૂબ ઉપયોગી છે.
  • યાક પર્વતના લોકોને દૂધ, માંસ, ઊન અને બળતણ પૂરું પાડે છે.
  • આ ઉપરાંત, તે મુશ્કેલ રસ્તાઓ પર ભારે સામાન વહન કરવામાં મદદ કરે છે.
  • આ પ્રાણીઓ હિમાલયના ઠંડા અને ઊંચા પહાડી વિસ્તારોમાં જ રહે છે. તેઓ ખાસ કરીને દરિયાઈ સપાટીથી 8,000 ફૂટથી લઈને 18,000 ફૂટ ની ઊંચાઈએ જોવા મળે છે.
  • 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ ભારતમાં આશરે 58,000 યાક છે.
  • આમાંથી અડધાથી વધુ યાક માત્ર લદ્દાખ માં જોવા મળે છે.
  • બાકીના યાક હિમાલયના અન્ય રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ના પહાડી વિસ્તારોમાં વહેંચાયેલા છે.
  • IUCN રેડ લિસ્ટ માં જંગલી યાકને Vulnerable (જોખમમાં મુકાયેલી પ્રજાતિ) ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

શારીરિક અને જૈવિક લાક્ષણિકતાઓ

  • યાકના શરીર પર લાંબા વાળ અને અંદરના ભાગે જાડું ઊન હોય છે.
  • આ બેવડું પડ તેમને -40°C જેટલી આકરી ઠંડી સામે રક્ષણ આપે છે.
  • તેમના વાળમાંથી એક ખાસ પ્રકારનું તેલ નીકળે છે જે પાણીને રોકે છે. આનાથી બરફવર્ષા અથવા વરસાદમાં પણ તેમની ચામડી કોરી રહે છે અને ઠંડી લાગતી નથી.
  • તેમના પહોળા અને મજબૂત ખરી (ખૂર) બરફ અને પથરાળ રસ્તાઓ પર લપસ્યા વગર ચાલવામાં મદદ કરે છે.
  • યાકની છાતીનો ભાગ, હૃદય અને ફેફસાં અન્ય પશુઓ કરતાં મોટા હોય છે. આ શારીરિક રચના તેમને હવામાં ઓક્સિજન ઓછો હોય ત્યાં પણ સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે.
  • તેમના લોહીમાં લાલ કણોની સંખ્યા વધારે હોય છે અને ખાસ પ્રકારનું હિમોગ્લોબિન હોય છે. આના કારણે પહાડોની પાતળી હવામાંથી પણ તેમનું શરીર પૂરતો ઓક્સિજન મેળવી શકે છે.
  • યાક ગરમ વાતાવરણ સહન કરી શકતા નથી. જો તાપમાન 15°C થી વધારે થાય, તો તેમને ગરમીનો ભારે ત્રાસ થાય છે. તેથી તેઓ ફક્ત ઠંડા વિસ્તારોમાં જ રહી શકે છે.

સામાજિક અને વર્તણૂક સંબંધિત લક્ષણો

  • યાક હંમેશા ટોળામાં રહે છે અને આ ટોળાની આગેવાની એક અનુભવી માદા યાક કરે છે.
  • નર યાક સામાન્ય રીતે એકલા રહે છે અથવા અલગ નાનું ટોળું બનાવે છે.
  • યાક સ્વભાવે શાંત હોય છે.
  • જ્યારે કોઈ જોખમ આવે, ત્યારે તેઓ પોતાના બચ્ચાને બચાવવા માટે બરફીલા ચિત્તા જેવા શિકારીઓ સામે ગોળાકાર રક્ષણાત્મક કવચ બનાવી લે છે.

યાકનું મહત્વ

  • હિમાલયના પહાડી લોકોના જીવન માટે યાક ખૂબ જ મહત્વનો ભાગ છે.
  • જ્યાં ખેતી કરવી મુશ્કેલ છે, ત્યાં યાક લોકોને ખોરાક અને રોજગારી આપે છે.
  • તેમની તાકાત અને પહાડો પર સરળતાથી ચાલવાની ક્ષમતાને કારણે, મુશ્કેલ પહાડી રસ્તાઓ પર સામાન પહોંચાડવા માટે તેઓ અનિવાર્ય છે.