
ગોવા રાજ્ય સ્થાપના દિવસ: ઇતિહાસ અને વિકાસગાથા
#GS-1 #ઇતિહાસ #આધુનિક ભારત #સ્વતંત્રતા સંગ્રામ #GS-2 #વર્તમાન પ્રવાહો #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- દર વર્ષે 30મી મે ના રોજ સમગ્ર દેશમાં ગોવા રાજ્ય સ્થાપના દિવસ (Goa Statehood Day) ઉજવવામાં આવે છે.
- આ દિવસ એ ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે જ્યારે વર્ષ 1987 માં ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું હતું.
પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ
- ઇસવીસન પૂર્વેની ત્રીજી સદી માં સમ્રાટ અશોક ના સમયમાં ગોવા એ મૌર્ય સામ્રાજ્ય નો ભાગ હતું અને તે સમયે બૌદ્ધ સાધુઓ એ અહીં ધાર્મિક પાયો નાખ્યો હતો.
- ઇસવીસન પૂર્વે બીજી સદીથી લઈને દસમી સદી સુધી અહીં ક્રમશઃ સાતવાહન, પશ્ચિમી ક્ષત્રપ, ભોજ, બાદામીના ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ રાજ કર્યું હતું.
- કલ્યાણીના ચાલુક્યોના માંડલિક એવા કદંબ શાસકોએ ગોવામાં જૈન ધર્મ ને મોટો આશ્રય આપ્યો હતો અને તેનો ફેલાવો કર્યો હતો.
- મધ્યકાલીન સમયમાં અહીં સત્તા ઝડપથી બદલાઈ હતી, જેમાં વર્ષ 1312 માં દિલ્હી સલ્તનત, વર્ષ 1370 માં વિજયનગર સામ્રાજ્ય ના હરિહર પ્રથમ, વર્ષ 1469 માં ગુલબર્ગાના બહમની સુલતાન અને છેલ્લે બીજાપુરના આદિલશાહી શાસકોએ અહીં શાસન કર્યું હતું.
પોર્ટુગીઝ શાસન અને બ્રિટિશ હસ્તક્ષેપ
- ગોવામાં પોર્ટુગીઝ શાસનની શરૂઆત વર્ષ 1510 માં થઈ હતી જ્યારે પોર્ટુગીઝ ગવર્નર અફોન્સો ડી અલ્બુકર્ક એ બીજાપુરના શાસક યુસુફ આદિલશાહ પાસેથી ગોવા જીતી લીધું હતું અને આ સાથે જ ત્યાં 451 વર્ષ લાંબુ પોર્ટુગીઝ શાસન શરૂ થયું હતું.
- આ જીત બાદ પોર્ટુગીઝોએ વેલ્હા ગોવા (જૂનું ગોવા) માં પોતાનું કાયમી થાણું બનાવ્યું અને અહીંથી જ તેમણે મોટા પાયે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને ધર્માંતરણ શરૂ કર્યું હતું.
- આગળ જતાં પોર્ટુગીઝોએ વર્ષ 1843 માં પોતાની રાજધાની વેલ્હા ગોવાથી બદલીને પણજી (Panjim) ખાતે ખસેડી હતી.
- નેપોલિયનના યુદ્ધો દરમિયાન વર્ષ 1812 થી 1815 સુધી બ્રિટિશરો એ પણ થોડા સમય માટે ગોવા પર કબ્જો જમાવ્યો હતો.
સ્વતંત્રતા સંગ્રામ અને મુક્તિ
- ભારતની આઝાદીની લડત સાથે ગોવામાં પણ પોર્ટુગીઝો સામે વિરોધ વધવા લાગ્યો હતો, જેમાં વર્ષ 1928 માં કોંગ્રેસના કલકત્તા અધિવેશન દરમિયાન ત્રિસ્તો દે બ્રાગાંઝા કુન્હા એ Goa National Congress ની સ્થાપના કરી હતી.
- વર્ષ 1946 માં પ્રખ્યાત સમાજવાદી નેતા ડો. રામ મનોહર લોહિયા એ ગોવામાં એક મોટી સભા ભરી હતી જેણે લોકોમાં નાગરિક અધિકારો અને ભારત સાથે જોડાવા માટે નવો ઉત્સાહ ભર્યો હતો.
- ભારતની શાંતિપ્રિય વિદેશ નીતિ અને પોર્ટુગલ દેશ નાટો (NATO) સાથે જોડાયેલો હોવાથી ભારતે શરૂઆતમાં સૈન્ય બળ વાપર્યું ન હતું, પરંતુ જ્યારે વાટાઘાટો નિષ્ફળ ગઈ ત્યારે સરકારે ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય લીધો.
- ભારતીય સેનાએ 19મી ડિસેમ્બર 1961 ના રોજ સફળ સૈન્ય કાર્યવાહી કરીને ગોવા, દમણ અને દીવ ને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવ્યા હતા.
ભારત સાથે જોડાણ અને રાજ્યનો દરજ્જો
- આ વિવાદનો કાયમી અંત વર્ષ 1974 માં આવ્યો જ્યારે ભારત અને પોર્ટુગલ વચ્ચે એક દ્વિપક્ષીય કરાર થયો, જેના દ્વારા પોર્ટુગલે ગોવા, દમણ-દીવ અને દાદરા નગર હવેલી પર ભારતની સત્તાનો સ્વીકાર કર્યો.
- ભારતીય બંધારણના 12મા બંધારણીય સુધારા અધિનિયમ, 1962 દ્વારા ગોવા, દમણ અને દીવ ને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે બંધારણની પ્રથમ અનુસૂચિ માં સામેલ કરવામાં આવ્યા હતા.
- ત્યારબાદ સંસદે ગોવા, દમણ અને દીવ પુનર્ગઠન અધિનિયમ, 1987 પસાર કર્યો, જેના હેઠળ 30મી મે 1987 ના રોજ ગોવા ને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો જ્યારે દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ રહ્યા.