
ભારતના અસંગઠિત કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા કવચ
#GS-3 #અર્થતંત્ર #રોજગાર #GS-2 #શાસન અને સામાજિક ન્યાય #વંચિત વર્ગો #ગરીબી #ઈ-શ્રમ પોર્ટલ #સામાજિક સુરક્ષા
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઈ-શ્રમ પોર્ટલ ને રાજ્યના કલ્યાણ બોર્ડ અને રોજગાર પ્લેટફોર્મ સાથે જોડી દીધું છે. આ પગલાથી 300 મિલિયન્ થી વધુ અસંગઠિત કામદારો નો એક દેશવ્યાપી ડિજિટલ ડેટા તૈયાર થયો છે.
- આ સફળતા દર્શાવે છે કે ફક્ત નામ નોંધાવવાથી કામ પૂરું થતું નથી. હવે ભારતના દરેક અસંગઠિત કામદારને દેશમાં ગમે ત્યાં કામ કરે તો પણ સામાજિક સુરક્ષા મળવી જરૂરી છે.
ભારતના અસંગઠિત કાર્યબળ માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા વિશે
- અસંગઠિત કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા એટલે કામદાર ગમે તે રાજ્યમાં જાય કે નોકરી બદલે, તેને જીવનભર દવાખાનાનો ખર્ચ, અકસ્માત વીમો અને પેન્શન મળતા રહે.
- ભારતમાં મોટાભાગના લોકો કોઈ લેખિત કરાર વગર કામ કરે છે. તેથી આધાર સાથે જોડેલું એક જ સરકારી ખાતું બનાવવું જરૂરી છે, જેથી ગરીબ પરિવાર અચાનક આવતી આર્થિક મુશ્કેલીમાંથી બચી શકે.
મુખ્ય આંકડા અને વિગતો
- ભારતના કુલ કામદારોમાંથી 90% થી વધુ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. આમાં કડીયાકામ, ઘરકામ, ખેતી અને ડિલિવરી બોય જેવા કામદારોનો સમાવેશ થાય છે.
- સરકારી આંકડા બતાવે છે કે નોંધાયેલા મોટાભાગના કામદારોની માસિક આવક ₹10,000 થી ઓછી છે. આટલી ઓછી કમાણીને કારણે કોઈ બીમારી કે નોકરી છૂટે ત્યારે તેમની પાસે બચત હોતી નથી.
- ઈ-શ્રમ પ્લેટફોર્મ પર 300 મિલિયન થી વધુ અસંગઠિત કામદારો નોંધાઈ ચૂક્યા છે. આ ડેટાબેઝથી સરકારી યોજનાઓનો સીધો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચાડી શકાશે.
અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજની જરૂરિયાત
- અસંગઠિત ક્ષેત્રનું મોટું પ્રમાણ: દેશના 90% થી વધુ કામદારો અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે. આ કામદારો જ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર છે.
- ઓછી આવક અને આર્થિક જોખમ: મોટાભાગના કામદારો મહિને ₹10,000 થી ઓછું કમાય છે. કોઈ મુશ્કેલી આવે ત્યારે તેમની પાસે બચાવ માટે કોઈ નાણાકીય ટેકો હોતો નથી.
- બીમારીને કારણે ગરીબી: ગરીબ પરિવારો દેવામાં ડૂબી જાય તેનું સૌથી મોટું કારણ દવાખાનાનો ખર્ચ છે. મોંઘી સારવારના કારણે લોકોએ મિલકત વેચવી પડે છે કે બાળકોનું ભણતર છોડાવવું પડે છે.
- અનિયમિત કામથી આર્થિક અસુરક્ષા: આ કામદારો પાસે રજા, વીમો કે પેન્શન જેવા કોઈ હક્ક હોતા નથી. થોડા દિવસની બીમારી પણ તેમના પરિવારના ગુજરાન પર મોટો પ્રશ્ન ઊભો કરે છે.
- શ્રમનું સન્માન અને વિકાસ: ડિજિટલ ઓળખને વાસ્તવિક સામાજિક સુરક્ષામાં બદલવી જરૂરી છે. આનાથી કામદારો વ્યાજખોરોના શિકાર બનતા અટકશે અને વિકસિત ભારત નું સપનું પૂરું થશે.
પોર્ટેબલ સાર્વત્રિક સામાજિક સુરક્ષા કવચના મુખ્ય સ્તંભો
- આધાર સાથે જોડેલું સાર્વત્રિક ખાતું: કામદાર માટે આધાર સાથે જોડાયેલું એક જ સામાજિક સુરક્ષા ખાતું હોવું જોઈએ. આ ખાતું કામદાર રાજ્ય કે કામ બદલે તો પણ ચાલુ રહેવું જોઈએ.
- મફત સારવારની સુવિધા: ઈ-શ્રમ ને સીધું આયુષ્માન ભારત (PM-JAY) સાથે જોડવું જોઈએ. આનાથી રેશનકાર્ડની ઝંઝટ વગર દેશની કોઈ પણ માન્ય હોસ્પિટલમાં કૅશલેસ સારવાર મળી શકશે.
- અકસ્માત વીમો અને પેન્શન: કામના સ્થળે થતા અકસ્માત સામે તુરંત વીમો મળવો જોઈએ. આ ઉપરાંત વૃદ્ધ કામદારો માટે નિશ્ચિત માસિક પેન્શનની વ્યવસ્થા હોવી જોઈએ.
- નાણાકીય ભંડોળની નવી વ્યવસ્થા: આ યોજના માટે સરકારી બજેટની સાથે ઓનલાઈન કંપનીઓ, લોજિસ્ટિક્સ અને મોટા બાંધકામ પ્રોજેક્ટ્સ પર નાનો ટેક્સ કે સેસ લગાવીને પૈસા ભેગા કરવા જોઈએ.
- ફ્લેક્સિબલ બચત વિકલ્પ: કામદારો પોતાની ઈચ્છા મુજબ ડિજિટલ વૉલેટથી નાના-નાના હપ્તા ભરી શકે તેવી સુવિધા આપવી જોઈએ, જેથી તેમને ભવિષ્યમાં વધુ પેન્શન મળી શકે.
પડકારો
- નિયમો અને વિસ્તારોની અડચણ: જૂની સરકારી યોજનાઓ સ્થાનિક સરનામા પર આધારિત હોય છે. તેથી કામદાર બીજા રાજ્યમાં કામ કરવા જાય ત્યારે તેને સરકારી લાભ મળતા બંધ થઈ જાય છે.
- સ્થળાંતરિત કામદારોની તકલીફો: શહેરો બનાવતા અને સામાન પહોંચાડતા મજૂરો પાસે સ્થાનિક પુરાવા હોતા નથી. આ કારણોસર તેઓ રાજ્યના વેલ્ફેર બોર્ડના લાભથી વંચિત રહે છે.
- કામના પ્રકારોની મર્યાદા: યોજનાઓના લાભ ચોક્કસ કામ સાથે જોડાયેલા હોય છે. તેથી ખેતી, મજૂરી કે ડિલિવરીનું કામ બદલતા કામદારોને નુકસાન થાય છે.
- એક સરખી પોર્ટેબિલિટીનો અભાવ: ડિજિટલ ડેટા હોવા છતાં, આરોગ્ય સુવિધા કે પેન્શનના લાભો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સહેલાઈથી ટ્રાન્સફર થતા નથી.
- અલગ-અલગ ફંડિંગ મોડેલ: દરેક રાજ્યના અલગ કલ્યાણ બોર્ડ હોવાથી પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી અને એકત્રિત ભંડોળની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે.
આગળનો માર્ગ
- એક જ પોર્ટેબલ એકાઉન્ટ: સરકારે કામદારની ડિજિટલ ઓળખ સાથે જોડાયેલું એક જ ખાતું બનાવવું જોઈએ, જે તમામ રાજ્યો અને તમામ નોકરીઓમાં કામ કરે.
- સરળ આરોગ્ય સેવાઓ: ઈ-શ્રમ પ્રોફાઈલને આયુષ્માન ભારત (PM-JAY) સાથે જોડી દેવાથી રેશનકાર્ડ વગર દેશમાં ગમે ત્યાં મફત સારવાર મળી શકશે.
- સ્થાયી ફંડિંગ મોડેલ: સરકારી મદદ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ, વાહન વ્યવહાર અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો પર નાનો કલ્યાણ સેસ લગાવીને ભંડોળ ઊભું કરવું જોઈએ.
- નાની બચતની સુવિધા: ડિજિટલ વોલેટ દ્વારા કામદારો પોતાની મરજી મુજબ નાની રકમ જમા કરાવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
- ત્રણ મુખ્ય ગેરંટી: કલ્યાણકારી યોજનામાં ત્રણ વસ્તુઓ ચોક્કસ મળવી જોઈએ: કામ પર અકસ્માત વીમો, દેશવ્યાપી ફ્રી સારવાર અને વૃદ્ધાવસ્થામાં નક્કી પેન્શન.
નિષ્કર્ષ
- ઈ-શ્રમ જેવા ડિજિટલ માધ્યમોથી દેશના અસંગઠિત કામદારોની ગણતરી શક્ય બની છે. પરંતુ સાચો વિકાસ ત્યારે જ થશે જ્યારે આ આંકડા કાયમી સામાજિક સુરક્ષામાં રૂપાંતરિત થશે.
- અલગ-અલગ નાની યોજનાઓના બદલે એક મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા ચક્ર બનાવવાથી ગરીબ પરિવારો ગરીબીમાંથી બહાર આવશે. આનાથી દેશનું નિર્માણ કરતા શ્રમિકોને સુરક્ષા અને સન્માન મળશે.