
વૈશ્વિક રેન્કિંગમાં ભારતનું પ્રદર્શન અને તેનું મૂલ્યાંકન
#GS-2 #GS-3 #શાસન અને સામાજિક ન્યાય #સુશાસન #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #વૈશ્વિક રેન્કિંગ
શા માટે ચર્ચામાં છે?
- **Environmental Performance Index (EPI)** જેવા વૈશ્વિક સૂચકાંકોમાં ભારતનો નીચો ક્રમ વારંવાર દેશમાં રાજકીય અને નીતિવિષયક ચર્ચા જગાવે છે.
- વિવેચકો આ નીચા સ્કોરને સરકારની નીતિઓની નિષ્ફળતા ગણાવે છે, જ્યારે સરકાર આ રેન્કિંગ બનાવવાની પદ્ધતિ સામે સવાલો ઉઠાવે છે.
- આ બાબત એક મોટો વિરોધાભાસ દર્શાવે છે. ઝડપથી વધતું અર્થતંત્ર, ડિજિટલ ચૂકવણીમાં આગળ અને અવકાશ ક્ષેત્રે સફળ હોવા છતાં ભારત આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પાછળ કેમ રહે છે?
વૈશ્વિક રેન્કિંગમાં ભારત પ્રદર્શનને સમજવું
- વૈશ્વિક રેન્કિંગમાં વાસ્તવિક માહિતી અને વ્યક્તિગત ધારણાઓ બંનેનું મિશ્રણ હોય છે. ભારતની આર્થિક અને ડિજિટલ પ્રગતિ ખૂબ સારી છે, છતાં ધારણા આધારિત સૂચકાંકોમાં ભારતનો ક્રમ નીચો આવે છે. આ બાબત પદ્ધતિની ક્ષતિઓ સાથે દેશની સાચી ગ્રાઉન્ડ તકલીફો પણ દર્શાવે છે.
વૈશ્વિક રેન્કિંગનું વર્ગીકરણ
- બધા વૈશ્વિક સૂચકાંકો એક સરખી રીતે તૈયાર થતા નથી. તેઓ કેટલા સચોટ ડેટા કે ગુણાત્મક વિચારો પર આધારિત છે, તેના આધારે અલગ પડે છે.
વસ્તુનિષ્ઠ અને માત્રાત્મક સૂચકાંકો
- કામ કરવાની રીત: આ સૂચકાંકો કોઈપણ ગુણાત્મક નિર્ણય વગર સીધા ચકાસી શકાય તેવા આંકડાઓ પર કામ કરે છે.
- ઉદાહરણ: **Henley Passport Index** ભારત દેશના પાસપોર્ટ ધારક પૂર્વ વિઝા વગર કેટલા દેશોમાં પ્રવાસ કરી શકે છે તેના સીધા આંકડા ગણે છે.
મિશ્ર પદ્ધતિસરના સૂચકાંકો
- કામ કરવાની રીત: આ સૂચકાંકો માપી શકાય તેવા તથ્યો, પદ્ધતિસરની ધારણાઓ, નિર્દેશકોની પસંદગી અને ગાણિતિક ભારણનું મિશ્રણ કરે છે.
- ઉદાહરણ: **Environmental Performance Index (EPI)** હવા અને પાણીની ગુણવત્તા જેવા ભૌતિક માપદંડો માપે છે. જોકે તેનો આખરી ક્રમ ઐતિહાસિક ઉત્સર્જનને બદલે વર્તમાન માથાદીઠ ઉત્સર્જનને પ્રાધાન્ય આપવા જેવા નિયમો પર આધાર રાખે છે.
ધારણા અને નિષ્ણાત આકારણી સૂચકાંકો
- કામ કરવાની રીત: આ સૂચકાંકો મોટાભાગે નિષ્ણાતોના સર્વેક્ષણો, ગુણાત્મક મૂલ્યાંકનો અને સંસ્થાકીય માળખા પર આધાર રાખે છે.
- ઉદાહરણ: **World Press Freedom Index** અને **Global Happiness Index** મોટા ભાગે પશ્ચિમી દેશોની સંસ્થાઓના ઉદારવાદી-લોકશાહી ધોરણો દર્શાવે છે.
પદ્ધતિસરની અને માળખાકીય મર્યાદાઓ
- બધા માટે એક સરખો માપદંડ: વૈશ્વિક માળખા વિકસતા દેશોની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા નથી. તેઓ દેશના વિકાસના તબક્કાને જોયા વગર એક જ સરખા ધોરણો લાગુ કરે છે.
- ઐતિહાસિક જવાબદારીની ઉપેક્ષા: પર્યાવરણીય રેન્કિંગ ભૂતકાળના કુલ કાર્બન ઉત્સર્જનને બદલે માત્ર વર્તમાન પ્રદૂષણ પર ધ્યાન આપે છે. આ બાબત **UNFCCC** ના **Common But Differentiated Responsibilities (CBDR)** ના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
- ડેટાનું સંક્ષેપીકરણ: **1.4 અબજ** ની વિવિધતા ધરાવતી વસ્તીને એક જ રાષ્ટ્રીય આંકડામાં દર્શાવવાથી સ્થાનિક પરિસ્થિતિની જટિલતા છુપાઈ જાય છે.
ભારતમાં આંતરિક વિરોધાભાસ
- બેવડી વાસ્તવિકતા: ભારતે **UPI**, **Aadhaar** જેવા ડિજિટલ માળખા, **ISRO** ના સ્પેસ મિશન અને પુનઃપ્રાપ્ય ઉર્જામાં ઉત્તમોત્તમ સિદ્ધિઓ મેળવી છે. બીજી તરફ હવાની ગુણવત્તા, કચરા નિકાલ અને માનવ વિકાસમાં હજુ ઘણી તકલીફો છે.
- અમલીકરણની ખામીઓ: દેશમાં કાયદા અને નીતિઓ મજબૂત છે, પરંતુ વિવિધ રાજ્યોના સ્તરે તેમનું અમલીકરણ એકસરખું થતું નથી.
ભૂ-રાજકીય અને નેરેટિવ પરિબળો
- સંસ્થાકીય માળખું: મોટાભાગના વૈશ્વિક સૂચકાંકો પશ્ચિમી થીંક ટેન્ક અને શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કરે છે. તેથી તેમાં અગાઉથી ચાલતી આંતરરાષ્ટ્રીય ધારણાઓ પ્રતિબિંબિત થઈ શકે છે.
- ધારણા વિરુદ્ધ વાસ્તવિક ક્ષમતા: ધારણા આધારિત રેન્કિંગના લીધે પાયાના માળખાકીય વિકાસ, ઔદ્યોગિક ઉત્પાદન અને ગરીબી ઘટાડામાં થયેલી સાચી પ્રગતિ ઢંકાઈ જાય છે.
વૈશ્વિક દેશો પાસેથી બોધપાઠ
- રેન્કિંગ પ્રત્યે અભિગમ: ચીને જરૂર પડે ત્યારે પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા પરંતુ પોતાનું ધ્યાન દેશના આર્થિક વિકાસ પર રાખ્યું. ભારતે પણ રેન્કિંગને સાવ ફગાવી દેવાને બદલે પુરાવા સાથે સુધારાના સૂચનો આપવા જોઈએ.
- રાષ્ટ્રીય ઉર્જાનું ધ્યાન: ચીને ઉત્પાદન, સંશોધન, માળખાકીય સુવિધાઓ અને નિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં મોટું રોકાણ કર્યું. ભારતે પણ જીડીપી, ઔદ્યોગિક ક્ષમતા અને ગ્રીન ટ્રાન્ઝિશન જેવી પોતાની મૂળ ક્ષમતાઓ મજબૂત કરવી જોઈએ.
- લાંબા ગાળાની છબી: ટિપ્પણીઓ છતાં ચીનની સાચી આર્થિક ક્ષમતાએ વૈશ્વિક વિચારધારા બદલી નાખી. ભારતની વાસ્તવિક આર્થિક અને સામાજિક સિદ્ધિઓ પણ સમય જતાં વિશ્વની ધારણા બદલી નાખશે.
આગળનો માર્ગ
- સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો: રેન્કિંગને સંપૂર્ણ ફગાવી દેવા કે આંખ બંધ કરીને સ્વીકારી લેવા ન જોઈએ. સાચા ડેટાનો ઉપયોગ કરીને શાસનની ખામીઓ સુધારવી જોઈએ.
- રાષ્ટ્રીય આંકડાકીય ક્ષમતા મજબૂત કરવી: **MOSPI** જેવી સંસ્થાઓ દ્વારા આંતરિક ડેટા એકત્ર કરવાની પદ્ધતિ વધુ સુધારવી જોઈએ જેથી સચોટ અને સમયસર માહિતી મળી શકે.
- સ્થાનિક બેંચમાર્કિંગને પ્રોત્સાહન આપવું: રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા વધારવા માટે **NITI Aayog** ના **SDG India Index** અને **Good Governance Index** જેવા માળખાનો ઉપયોગ કરવો જોઈએ.
- પદ્ધતિસરનું રાજદ્વારી કામ: ગ્લોબલ સાઉથના દેશો સાથે મળીને એવી રેન્કિંગ પદ્ધતિઓ માટે રજૂઆત કરવી જોઈએ જે દેશના વિકાસ અને સમાનતાને ધ્યાનમાં લે.
- પાયાની ક્ષમતાઓ વધારવા પર ધ્યાન આપવું: નીતિઓનું મુખ્ય ધ્યાન ઔદ્યોગિક ઉત્પાદન, માળખાકીય સુવિધાઓ, સાક્ષરતા અને આરોગ્ય જેવા આંકડાકીય સુધારાઓ પર હોવું જોઈએ. પાયાની ક્ષમતા વધશે એટલે વૈશ્વિક રેન્કિંગ આપોઆપ સુધરશે.
નિષ્કર્ષ
- વૈશ્વિક રેન્કિંગ સરખામણી માટે ઉપયોગી સાધન છે, પરંતુ તે ચોક્કસ પદ્ધતિ પર આધારિત હોય છે અને કોઈ સંકુલ સમાજનો આખરી નિર્ણય નથી.
- સાચી રાષ્ટ્રીય વ્યુહરચના એ જ છે કે આપણી વાસ્તવિક કચાસ દૂર કરીએ અને આર્થિક, તકનીકી તથા સામાજિક ક્ષમતાઓ મજબૂત બનાવીએ.