
કોલસા બજારને પારદર્શક બનાવવા માટે કોલસા એક્સચેન્જ નિયમો 2026 જાહેર કરાયા
#GS-3 #અર્થતંત્ર #ઉર્જા #માળખાકીય સુવિધાઓ #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય
શા માટે ચર્ચામાં છે?
- કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રીએ તાજેતરમાં લોકસભામાં કોલસા એક્સચેન્જ નિયમો, 2026 વિષે માહિતી આપી હતી.
કોલસા એક્સચેન્જ નિયમો, 2026 શું છે?
- કોલસા એક્સચેન્જ નિયમો, 2026 દ્વારા દેશમાં કોલસા એક્સચેન્જ નામના ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે કાનૂની માળખું ઘડાયું છે.
- આ પ્લેટફોર્મ પરથી ખરીદદારો અને વેચનારાઓ કોલસો, લિગ્નાઈટ અને તેનાથી બનતી વસ્તુઓનો સીધો વેપાર કરી શકશે.
કાનૂની આધાર
- આ નિયમો ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 ની કલમ 18B હેઠળ બહાર પાડવામાં આવ્યા છે.
નિયમોનો હેતુ
- આ નિયમોનો મુખ્ય હેતુ દેશના કોલસા ક્ષેત્રને જૂની ફાળવણી પદ્ધતિમાંથી બહાર લાવીને ખુલ્લી બજાર વ્યવસ્થા તરફ આગળ લઈ જવાનો છે.
- આ નવી વ્યવસ્થાથી કોલસાના યોગ્ય ભાવ નક્કી થશે, દરેક વેપારીને એકસરખી માહિતી મળશે અને સમયસર પુરવઠો મળશે.
મુખ્ય લાક્ષણિકતાઓ
- કોલ કંટ્રોલર ઓર્ગેનાઈઝેશન (CCO) આ સમગ્ર એક્સચેન્જ પર નજર રાખશે, નોંધણી મંજૂર કરશે અને વધુમાં વધુ કેટલી ફી લઈ શકાય તેની મર્યાદા નક્કી કરશે.
- આ પ્લેટફોર્મમાં ખાનગી ખાણમાલિકો, સરકારી કંપનીઓ, મોટા ઉદ્યોગો અને નાના વેપારીઓ એમ સૌ કોઈ ભાગ લઈ શકશે.
- ચોક્કસ કોમ્પ્યુટર પ્રોગ્રામ વડે કોલસાનો ભાવ નક્કી થશે અને અધિકૃત એજન્સીના રિપોર્ટ મુજબ કોલસાની ગુણવત્તા જોઈને જ છેલ્લો હિસાબ ચૂકવાશે.
- નાણાકીય જોખમ સામે રક્ષણ મેળવવા દરેક એક્સચેન્જે સેટલમેન્ટ ગેરંટી ફંડ (SGF) બનાવવું પડશે, જેમાં ઓછામાં ઓછા 50% નાણાં સલામત જગ્યાએ રાખવાના રહેશે.
- રોજિંદા વેપાર પર ધ્યાન રાખવા ખાસ કમિટી બનશે, જે CISA સુરક્ષા ઓડિટ કરશે અને બધો ડેટા સુરક્ષિત રાખશે.
- કોઈપણ ફરિયાદના ઉકેલ માટે ખાસ મંચ બનશે, અને ગેરરીતિ કે સિન્ડિકેટ રોકવા માટે CCO તપાસ કરી પગલાં ભરી શકશે.
મહત્વ
- ઓનલાઈન હરાજીથી કોલસાનો સાચો બજાર ભાવ નક્કી થશે અને વચેટિયાઓનો બિનજરૂરી ખર્ચ ઘટી જશે.
- આખા દેશ માટે એક જ પ્લેટફોર્મ હોવાથી માલની હેરફેર સરળ બનશે, વીજ ઉત્પાદન માટે કોલસાની અછત નહીં સર્જાય અને દેશની ઉર્જા સુરક્ષા મજબૂત થશે.