
કેનેડાને યુરોપિયન યુનિયનના પ્રથમ એસોસિએટ મેમ્બર બનાવવાનો પ્રસ્તાવ
#GS-2 #વર્તમાન ઘટનાઓ #આંતરરાષ્ટ્રીય #GS-3 #અર્થતંત્ર #યુરોપિયન યુનિયન #આંતરરાષ્ટ્રીય સંબંધો
મુખ્ય મુદ્દા
- યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન દ્વારા કેનેડાને યુરોપિયન યુનિયનનું પ્રથમ એસોસિએટ મેમ્બર બનાવવાની ભલામણ કરવામાં આવી છે.
- આ પ્રકારનું નવું સભ્યપદ આપવા માટે યુરોપિયન યુનિયનના કરારોમાં સુધારો કરવો પડે, જેના માટે તમામ 27 દેશોની મંજૂરી જરૂરી છે.
- પૂર્ણ સુધારા વગર આગળ વધવા માટે TFEU ના કલમ 217 નો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સમજૂતી કરી શકાય છે.
- આ એસોસિએટ સભ્યપદ CETA જેવા મુક્ત વ્યાપાર કરારથી આગળ વધીને સંરક્ષણ, AI, સેમિકન્ડક્ટર અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોને સાંકળી લેશે.
શા માટે ચર્ચામાં છે?
- યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન દ્વારા કેનેડાને યુરોપિયન યુનિયનનું પ્રથમ એસોસિએટ મેમ્બર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે એલાયન્સ ફોર ધ ફ્યુચર નામે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી ઊભી કરવાનો છે.
એસોસિએટ સભ્યપદ વિશે
- આ એક રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીનું માળખું છે જે કેનેડા જેવા બિન-યુરોપિયન દેશો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ દ્વારા કોઈ દેશ યુરોપિયન યુનિયનના સંરક્ષણ ખરીદી, સંવેદનશીલ સપ્લાય ચેઇન અને ટેકનોલોજી ક્ષેત્રે જોડાય શકે છે. જોકે, તેમાં સંપૂર્ણ રાજકીય સભ્યપદ, વોટ આપવાનો અધિકાર કે યુરોપિયન યુનિયનના સિંગલ માર્કેટનો સીધો લાભ મળતો નથી.
વર્તમાન સ્થિતિ
- હાલના સમયમાં યુરોપિયન યુનિયનના મૂળભૂત બંધારણીય કરારોમાં એસોસિએટ મેમ્બર જેવા કોઈ શબ્દ કે પદની જોગવાઈ નથી.
પ્રક્રિયા અને કાનૂની માળખું
- નવું બંધારણીય સભ્યપદ ઊભું કરવા માટે યુરોપિયન યુનિયનના મૂળ કરારોમાં સુધારો કરવો પડે. આ સુધારા માટે તમામ 27 સભ્ય દેશો અને તેમની સંસદની સર્વસંમતિથી મંજૂરી મેળવવી જરૂરી છે.
- લાંબી અને જટિલ કરાર સુધારા પ્રક્રિયાથી બચવા માટે યુરોપિયન યુનિયન તેના TFEU ના કલમ 217 નો ઉપયોગ કરી શકે છે. આ રસ્તા દ્વારા દ્વિપક્ષીય કરાર કરી શકાય છે, પરંતુ તેમાં પણ યુરોપિયન યુનિયન કૌન્સિલની સર્વસંમતિ અને યુરોપિયન પાર્લામેન્ટની મંજૂરી જરૂરી રહે છે.
મુખ્ય વિશેષતાઓ
- આ પ્રસ્તાવ CETA કરાર હેઠળ મળતી માત્ર ટેરિફ છૂટછાટોથી આગળ વધીને સંકલિત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકે છે. જેમાં મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા, સેમિકન્ડક્ટર અને આર્કટિક સુરક્ષા ક્ષેત્રે કામ કરવામાં આવશે.
- આનાથી બિન-સભ્ય દેશો યુરોપિયન સંરક્ષણ માળખા, AI સંશોધન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સાયબર ડિફેન્સ ક્ષેત્રે ભાગીદારી કરી શકશે.
- ભાગીદાર દેશને યુરોપિયન પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કે યુરોપિયન યુનિયન કૌન્સિલમાં વોટિંગનો અધિકાર મળતો નથી. આ ઉપરાંત, દેશે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ) ની બાબતોમાં પોતાની સાર્વભૌમત્વ છોડવી પડતી નથી.
- ભાગીદાર દેશે યુરોપિયન યુનિયનના આર્થિક ધોરણો અને નિયમોનું પાલન કરવું પડશે. આનાથી તે દેશ નિયમો બનાવનાર નહીં પણ નિયમો સ્વીકારનાર બની જશે, કારણ કે કાયદો ઘડવામાં તેની કોઈ સીધી ભૂમિકા નહીં હોય.