ભારતે પીકોક ડિપ્લોમસી અંતર્ગત યુએન જીનેવાને પાંચ મોર ભેટ આપ્યા

ભારતે પીકોક ડિપ્લોમસી અંતર્ગત યુએન જીનેવાને પાંચ મોર ભેટ આપ્યા

#GS-2 #GS-3 #વર્તમાન ઘટનાઓ #આંતરરાષ્ટ્રીય #પર્યાવરણ #જૈવવિવિધતા #વન્યજીવ #સંરક્ષણ

મુખ્ય મુદ્દા

  • ભારતે પોતાની મુત્સદ્દીગીરીના ભાગરૂપે જીનેવા ખાતેના યુનાઇટેડ નેશન્સ ઓફિસ ને પાંચ નર મોર ભેટમાં આપ્યા છે, જેને પીકોક ડિપ્લોમસી તરીકે ઓળખવામાં આવે છે.
  • આ મોર યુએનના 46-હેક્ટરના એરિયાના પાર્ક માં રહેશે, જે 1981 માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરાયેલી રાજદ્વારી પરંપરાને આગળ ધપાવે છે.
  • ભારતીય મોર (પાવો ક્રિસ્ટાટસ) ને ભારતના વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 ની અનુસૂચિ I હેઠળ સંરક્ષણ મળેલું છે અને IUCN રેડ લિસ્ટ માં તે લીસ્ટ કન્સર્ન તરીકે વર્ગીકૃત છે.
  • આ પ્રજાતિ CITES ના પરિશિષ્ટ III માં સૂચિબદ્ધ છે અને તે ખેતીવાડી વિસ્તારમાં જીવાત નિયંત્રણ દ્વારા મહત્વની નિવસનતંત્રીય ભૂમિકા ભજવે છે.

શા માટે ચર્ચામાં છે?

  • ભારતે જીનેવા સ્થિત યુનાઇટેડ નેશન્સ ઓફિસ ને પાંચ નર મોર ભેટ આપ્યા છે, જેમાં ચાર વાદળી મોર અને એક સફેદ મોર નો સમાવેશ થાય છે જે યુએન ના વાદળી અને સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ભારત તરફથી આપેલી આ બીજી આવી રાજદ્વારી ભેટ છે, આ પહેલા 1981 માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દિલ્હી ઝૂ માંથી મોરની જોડી જીનેવા મોકલી હતી.
  • આ પક્ષીઓ યુએન સંકુલની આસપાસ આવેલા 46-હેક્ટરના એરિયાના પાર્ક માં રહેશે, જ્યાં છેલ્લા એક સદી થી પણ વધુ સમયથી મોર રહેતા આવ્યા છે.
  • આ પાર્ક મૂળ સ્વિસ આર્ટ કલેક્ટર ગુસ્તાવ રિવિલિઓડ ની મિલકત હતી, જેમણે 1890 માં તે જીનેવા શહેરને દાનમાં આપી હતી.
  • ચીનની પાંડા ડિપ્લોમસી ની જેમ આ પીકોક ડિપ્લોમસી ભારતની સોફ્ટ પાવર ક્ષમતા વધારે છે અને વૈશ્વિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
  • મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જે સુંદરતા અને સહનશીલતાનું પ્રતીક છે અને વૈશ્વિક મંચ પર ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાને રજૂ કરે છે.
  • આ પગલું પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતાના જતન માટે ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.

ભારતીય મોર

  • ભારતીય મોર (પાવો ક્રિસ્ટાટસ) એ ફેસિઆનિડે કુળનું પક્ષી છે, જેમાં નરને મોર અને માદાને ઢેલ કહેવામાં આવે છે.
  • આ પ્રજાતિમાં નર અને માદા વચ્ચે શારીરિક તફાવત સ્પષ્ટ દેખાય છે, જેને સેક્સ્યુઅલ ડિમોર્ફિઝમ કહે છે.
  • નર મોર પાસે વાદળી પીંછા અને લાંબી પૂંછડી પર ચમકદાર આંખ આકારની ટપકીઓ (ઓસેલી) હોય છે, જ્યારે માદા ઢેલનો કથ્થઈ રંગ જમીન પર માળો બાંધતી વખતે બચાવમાં મદદ કરે છે.
  • ભારતીય ઉપખંડ નું આ મૂળ પક્ષી ખૂબ જ અનુકૂળ છે, જે શુષ્ક જંગલો, ખેતરો, ઝાડીઓ અને માનવ વસવાટ વાળા વિસ્તારોમાં સરળતાથી રહી શકે છે.
  • મોર દિવસ દરમિયાન જમીન પર ચરે છે અને રાત્રે બચાવ માટે વૃક્ષો પર આશ્રય લે છે.
  • આ પક્ષીઓ મિશ્રાહારી હોય છે, જે અનાજ, ફળ, કીટકો, નાના સસ્તન પ્રાણીઓ અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
  • ખેતીવાડીના વિસ્તારમાં કીટકો અને જીવાતો ખાવાથી આ પક્ષીઓ કુદરતી રીતે પાકનું રક્ષણ કરવામાં મદદ કરે છે.
  • IUCN રેડ લિસ્ટ માં ભારતીય મોરને લીસ્ટ કન્સર્ન નો દરજ્જો આપવામાં આવ્યો છે.
  • ભારતના વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 ની અનુસૂચિ I હેઠળ તેને સર્વોચ્ચ કાનૂની સંરક્ષણ પ્રાપ્ત છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે આ પક્ષીઓના વેપાર પર CITES ના પરિશિષ્ટ III હેઠળ નજર રાખવામાં આવે છે.