એનાલોગ પનીરને ડેરી નામથી વેચવા પર FSSAI નો નવો પ્રતિબંધ

એનાલોગ પનીરને ડેરી નામથી વેચવા પર FSSAI નો નવો પ્રતિબંધ

#GS-2 #ગવર્નન્સ અને સામાજિક ન્યાય #નિયમનકારી સંસ્થાઓ #ખાદ્ય સુરક્ષા #GS-3 #અર્થતંત્ર #કૃષિ #ડેરી ક્ષેત્ર #એફએસએસએઆઈ

મુખ્ય મુદ્દા

  • FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011 માં સુધારો કરીને ડેરી વગર બનતા એનાલોગ ઉત્પાદનોને 'પનીર' ના નામે વેચવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.
  • એનાલોગ પનીરમાં દૂધના ફેટને બદલે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ વપરાય છે, જેથી તે અસલી પનીર કરતાં 50% થી 70% સસ્તું બને છે.
  • 1 કિલો શુદ્ધ પનીર બનાવવા માટે 4 થી 5 લીટર દૂધની જરૂર પડે છે, જેની સરખામણીએ બનાવટી પનીર ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જાય છે.
  • આ નિયમથી ગ્રાહકો છેતરપિંડીથી બચશે, પશુપાલકોનું આર્થિક હિત જળવાશે અને હોટેલો કે ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ પર પારદર્શિતા આવશે.

શા માટે ચર્ચામાં છે?

  • ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI) એ નકલી ડેરી ઉત્પાદનોને રોકવા માટે એક નવો નિયમ સૂચવ્યો છે.
  • આ માટે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ (પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન્સ ઓન સેલ્સ) રેગ્યુલેશન્સ, 2011 માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
  • નવા નિયમ મુજબ, ડેરી વગર બનતા એનાલોગ ઉત્પાદનોને 'પનીર' ના નામે બનાવવાની, વેચવાની કે તેની જાહેરાત કરવાની મનાઈ રહેશે.

એનાલોગ પનીર શું છે?

  • એનાલોગ પનીર એ અસલી દૂધના પનીર જેવું જ દેખાતું, સ્વાદ આપતું અને વપરાતું એક બનાવટી કે પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદન છે.
  • આમાં દૂધની કુદરતી ચરબી (ફેટ) અને પ્રોટીનની જગ્યાએ વનસ્પતિ આધારિત વસ્તુઓ વાપરવામાં આવે છે.
  • તેને બનાવવા માટે વનસ્પતિ તેલ, હાઇડ્રોજનેટેડ ફેટ, સ્ટાર્ચ અને વનસ્પતિ પ્રોટીનનો ઉપયોગ થાય છે.

એનાલોગ પનીર કેવી રીતે બને છે?

  • બનાવટ કરનારા દૂધની ફેટની જગ્યાએ સસ્તું વનસ્પતિ તેલ વાપરે છે અને તેમાં સ્કેમ્ડ મિલ્ક પાવડર અથવા સોયા પ્રોટીન ભેળવે છે.
  • પનીર જેવી કડક મજબૂતાઈ લાવવા માટે બટાકા, મકાઈ કે ટેપિયોકાનો સ્ટાર્ચ અને સ્ટેબિલાઇઝર ઉમેરીને ગરમ કરવામાં આવે છે.
  • ત્યારબાદ તેમાં એસિડ ઉમેરીને મિશ્રણને જમાવવામાં આવે છે અને મશીનથી દાબીને કટકા કરાય છે, જે અસલી પનીરની જેમ જ તળી શકાય છે.

દૂધના પનીર અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત

  • અસલી પનીર શુદ્ધ દૂધને ગરમ કરીને બનાવવામાં આવે છે, જ્યારે એનાલોગ પનીર વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને વનસ્પતિ પ્રોટીનથી બને છે.
  • અસલી પનીરમાં દૂધની પોતાની ચરબી હોય છે, જ્યારે એનાલોગ પનીરમાં પામ ઓઇલ કે હાઇડ્રોજનેટેડ તેલ વપરાય છે.
  • દૂધનું પનીર શરીર માટે ઉત્તમ પ્રોટીન આપે છે, જ્યારે એનાલોગ પનીરમાં પ્રોટીનની ગુણવત્તા અલગ-અલગ હોય છે.
  • એક કિલો અસલી પનીર બનાવવા 4 થી 5 લીટર દૂધ જોઈએ, જેથી એનાલોગ પનીર બનાવવાનો ખર્ચ 50% થી 70% સુધી સસ્તો પડે છે.
  • FSSAI ના નિયમ પ્રમાણે અસલી પનીર પ્રમાણિત ડેરી પ્રોડક્ટ છે, જ્યારે એનાલોગ પનીરને 'પનીર' નામથી વેચી શકાતું નથી.

આ નવા નિયમની અસરો

  • પેકિંગ પર સાચી માહિતી લખવાથી ગ્રાહકો છેતરાતા બચશે અને તેમને નકલી કે ઓછી પોષણવાળી વસ્તુઓ ખરીદવી નહીં પડે.
  • સસ્તા બનાવટી પનીરનું વેચાણ અટકવાથી પશુપાલકો અને દૂધ મંડળીઓને અન્યાયી સ્પર્ધા સામે રક્ષણ મળશે.
  • હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ માટે એનાલોગ પ્રોડક્ટ વાપરતી વખતે ગ્રાહકને તેની સ્પષ્ટ જાણ કરવી ફરજિયાત બનશે.