
વિશાખાપટ્ટનમમાં ટાઇગર ટ્રાયમ્ફ 2026 યુદ્ધાભ્યાસ પૂર્ણ થયો
#જીએસ-2 #જીએસ-3 #વર્તમાન ઘટનાઓ #સંરક્ષણ ટેકનોલોજી #આંતરરાષ્ટ્રીય #આપત્તિ વ્યવસ્થાપન #રાષ્ટ્રીય #ટાઇગર ટ્રાયમ્ફ યુદ્ધાભ્યાસ
મુખ્ય મુદ્દા
- ભારત અને અમેરિકાએ વિશાખાપટ્ટનમ ખાતે તેમની ત્રણેય સેનાઓના આપત્તિ રાહત અભ્યાસ ટાઇગર ટ્રાયમ્ફ 2026 ની 5મી આવૃત્તિ પૂર્ણ કરી છે.
- વર્ષ 2019 માં શરૂ થયેલો આ યુદ્ધાભ્યાસ બંને દેશોની આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે આપત્તિ સમયે સાથે કામ કરવાની ક્ષમતા વધારે છે.
- નાગરિક અને સૈન્ય સંસ્થાઓ વચ્ચે વધુ સારો તાલમેળ જળવાય તે માટે ભારતની NDRF એ આ તાલીમમાં પ્રથમ વખત ભાગ લીધો હતો.
- આ યુદ્ધાભ્યાસ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માં સુરક્ષા અને શાંતિ જાળવવાની સાથે દરિયાઈ અને જમીની બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવે છે.
શા માટે ચર્ચામાં છે?
- તાજેતરમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ટાઇગર ટ્રાયમ્ફ 2026 યુદ્ધાભ્યાસની 5મી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
ટાઇગર ટ્રાયમ્ફ યુદ્ધાભ્યાસ વિશે
- આ ભારત અને અમેરિકાની ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે યોજાતો એક દ્વિપક્ષીય યુદ્ધાભ્યાસ છે.
- કુદરતી આપત્તિઓ વખતે રાહત અને બચાવ કામગીરી માટે બંને દેશોની સેનાઓ એકસાથે મળીને કામ કરી શકે તે માટે આ તાલીમ આપવામાં આવે છે.
- બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અને આપત્તિ વ્યવસ્થાપન સુધારવા માટે આ અભ્યાસ સૌપ્રથમ વખત વર્ષ 2019માં શરૂ થયો હતો.
2026ની આવૃત્તિના મુખ્ય પાસાં
- આ વખતે સ્ટાફ એક્સરસાઇઝ (STAFFEX) યોજાઈ હતી જેમાં સાયબર સ્પેસ અને મેડિકલ કામગીરી જેવા વિષયો પર નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.
- ત્યારબાદ ટેબલટોપ એક્સરસાઇઝ (TTX) હાથ ધરાઈ હતી, જેમાં કાલ્પનિક આપત્તિઓની પરિસ્થિતિ ઊભી કરીને સાથે મળીને કામ કરતી વખતે આવતી તકલીફો ઉકેલવામાં આવી હતી.
- જમીન અને દરિયાઈ માર્ગે આપત્તિ બચાવ કામગીરીનું આયોજન સરળતાથી થઈ શકે તે માટે એમ્ફિબિયસ કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
- આ વખતે ભારતની National Disaster Response Force (NDRF) એ પહેલીવાર ભાગ લીધો છે, જેનાથી સેના અને નાગરિક સંસ્થાઓ વચ્ચેનો સમન્વય વધુ મજબૂત બનશે.
મુખ્ય ઉદ્દેશ્યો અને વ્યુહાત્મક મહત્વ
- બંને દેશોના સૈન્ય દળો વચ્ચે તકનીકી સમન્વય, આયોજન, માહિતીની આપ-લે અને પરસ્પર સમજણ વધારવી એ આ અભ્યાસનો મુખ્ય હેતુ છે.
- આ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધોને મજબૂત કરે છે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદ કરે છે.