
CRPF દ્વારા આતંકવાદ વિરોધી કામગીરી માટે કેમિકાઝ ડ્રોનની ખરીદી
#GS-3 #સાયન્સ અને ટેકનોલોજી #સંરક્ષણ #સીઆરપીએફ (CRPF) #કેમિકાઝ ડ્રોન #આત્મનિર્ભર ભારત #આંતરિક સુરક્ષા
મુખ્ય મુદ્દા
- નક્સલવાદી અને આતંકવાદી વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે CRPF દ્વારા કામિકાઝ સુસાઇડ ડ્રોનની ખરીદી કરવામાં આવી રહી છે.
- ભારતમાં તૈયાર થયેલા ડ્રોનમાં Solar Industries નું Nagastra-1 અને TASL નું ALS-50 મુખ્ય છે, જે NAVIC સિસ્ટમ પર કામ કરે છે.
- આ ડ્રોન હવામાં 30 મિનિટ થી લઈને કલાકો સુધી મંડરાઈને દુશ્મનના બંકરો અને વાહનો પર સચોટ હુમલો કરી શકે છે.
શા માટે ચર્ચામાં છે?
- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ આતંકવાદ અને નક્સલવાદ વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે લોઇટરિંગ મ્યુનિશન એટલે કે કેમિકાઝ ડ્રોન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે.
કેમિકાઝ ડ્રોન શું છે?
- આ ડ્રોન સામાન્ય ડ્રોનની જેમ નજર રાખવાનું અને મિસાઈલની જેમ સચોટ હુમલો કરવાનું બંને કામ એકસાથે કરે છે.
- સામાન્ય ડ્રોન પાછા આવી જાય છે, જ્યારે આ ડ્રોન એક જ વાર વપરાય છે. તે દુશ્મન પર સતત મંડરાય છે અને લક્ષ્ય મળતાં જ તેની સાથે અથડાઈને વિસ્ફોટ કરે છે.
વૈશ્વિક અને ભારતીય ઉત્પાદકો
- દુનિયાભરમાં ઇઝરાયેલના Harop અને Harpy, ઈરાનનું Shahed-136 અને પોલેન્ડનું Warmate આ ટેકનોલોજીના મુખ્ય ઉદાહરણો છે.
- ભારતમાં CSIR-NAL ના NAVIC આધારિત ડ્રોન, Solar Industries અને Z-Motion નું Nagastra-1, TASL નું ALS-50 અને Alpha Design-Elbit નું SkyStriker તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્ય હેતુ
- સુરક્ષા દળોના જવાનોને જોખમમાં મૂક્યા વગર દુશ્મનોના બંકર, રડાર અને ફરતા વાહનો પર સચોટ હુમલો કરીને તેમને નષ્ટ કરવાનો આ ડ્રોનનો મુખ્ય હેતુ છે.
કેમિકાઝ ડ્રોનની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ ડ્રોન હવામા 30 મિનિટ થી લઈને કેટલાક કલાકો સુધી રહી શકે છે અને યોગ્ય સમય આવતાં જ સચોટ હુમલો કરે છે.
- તેનું વજન ઓછું હોય છે, તે ઓછી ઊંચાઈ પર ઊડે છે અને અવાજ ઓછો કરે છે, જેથી એર ડિફેન્સ રડાર તેને સરળતાથી પકડી શકતા નથી.
- તે GPS અને ભારતીય NAVIC નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેથી દુશ્મનના સિગ્નલ જામિંગ સામે પણ તે સચોટ કામ કરે છે.
- આ ડ્રોન ખૂબ જ સસ્તા હોય છે અને એકસાથે અનેક ડ્રોન મોકલીને દુશ્મનના સંરક્ષણ તંત્રને થકવી શકાય છે.
- તેમાં વિવિધ પ્રકારના વિસ્ફોટકો લગાવી શકાય છે, જેથી આસપાસના વિસ્તારને નુકસાન પહોંચાડ્યા વગર ફક્ત નક્કી કરેલા લક્ષ્યને જ ઉડાવી શકાય.
આ પગલાનું મહત્વ
- ગાઢ જંગલો અને ગીચ શહેરી વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધીને તેમના પર ચોક્કસ હુમલા કરવામાં આ ડ્રોન સુરક્ષા દળોને મોટી મદદ કરશે.
- દેશમાં જ બનેલા ડ્રોનનો ઉપયોગ વધવાથી વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.