
લડાખનો થીક્સે મઠ: ઇતિહાસ, સ્થાપત્ય અને મુખ્ય વિશેષતાઓ
#GS-1 #સંસ્કૃતિ #કલા અને સ્થાપત્ય #વારસો #GS-2 #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય #થીક્સે મઠ #લડાખ
મુખ્ય મુદ્દા
- યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે લડાખમાં આવેલા ઐતિહાસિક થીક્સે મઠ ની મુલાકાત લીધી હતી, જેને લડાખનો મીની પોતાલા પણ કહેવાય છે.
- ઈ.સ. 1433 માં સ્પોન પલ્દેન શેરાબ દ્વારા સ્થપાયેલો આ 12 માળ નો મઠ તિબેટીયન બૌદ્ધ ધર્મની ગેલુગ્પા શાખા સાથે જોડાયેલો છે.
- આ મઠમાં માઇત્રેય બુદ્ધની 15 મીટર (49 ફૂટ) ઊંચી પ્રતિમા આવેલી છે, જેની પ્રાણપ્રતિષ્ઠા 1980 માં 14મા દલાઈ લામા એ કરી હતી.
શા માટે ચર્ચામાં છે?
- તાજેતરમાં ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે લડાખના સત્તાવાર પ્રવાસ દરમિયાન ઐતિહાસિક થીક્સે મઠ ની મુલાકાત લીધી હતી.
થીક્સે મઠ વિશે
- થીક્સે મઠ અથવા થીક્સે ગોમ્પા એ તિબેટીયન બૌદ્ધ ધર્મની ગેલુગ્પા શાખા સાથે જોડાયેલો એક જાણીતો મઠ છે.
- આ મઠ ટેકરીના ઢોળાવ પર બનેલો છે અને તેનો આકાર તિબેટના લ્હાસામાં આવેલા પોતાલા પેલેસ જેવો જ છે. તેથી તેને લડાખનો મીની પોતાલા કહેવામાં આવે છે.
ભૌગોલિક સ્થાન
- આ મઠ મધ્ય લડાખના થીક્સે ગામમાં એક ટેકરી પર આવેલો છે, જે લેહ શહેરથી પૂર્વમાં લગભગ 19 કિમી દૂર છે.
- તે સિંધુ નદી ખીણ ના જમણા કાંઠે આવેલો છે અને ત્યાંથી સ્તોક પર્વતમાળા નો સુંદર નજારો દેખાય છે.
ઇતિહાસ
- આ મઠની સ્થાપના ઈ.સ. 1433 માં સ્પોન પલ્દેન શેરાબ દ્વારા કરવામાં આવી હતી.
- તેમણે ગેલુગ સંપ્રદાયના સ્થાપક જે ત્સોંગખાપા ના શિષ્ય જંગસેમ શેરાબ ઝાંગપો ના માર્ગદર્શન હેઠળ આ મઠ બનાવ્યો હતો.
થીક્સે મઠની મુખ્ય વિશેષતાઓ
- આ મઠ 12 માળ ની રચના ધરાવે છે. જેમાં તળેટીમાં સાધુઓ રહે છે અને ટોચ પર લાલ તથા પીળા રંગના પવિત્ર મંદિરો આવેલા છે.
- અહીં માઇત્રેય બુદ્ધની 15 મીટર (49 ફૂટ) ઊંચી પ્રતિમા છે. 14મા દલાઈ લામા એ 1980 માં આ સોનાથી મઢેલી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
- મઠમાં દેવી તારાના 21 સ્વરૂપો ધરાવતું તારા મંદિર, પ્રાચીન સ્તૂપો, કાંગ્યૂર અને તેંગ્યૂર નામના પવિત્ર ગ્રંથો તથા ભીંતચિત્રો આવેલા છે.
- અહીં દરરોજ સવારે સાધુઓ ખાસ પૂજા-પ્રાર્થના કરે છે. જેમાં તેઓ ડુંગચેન (તિબેટીયન રણશિંગું), મંજીરા અને ઢોલ સાથે મંત્રોચ્ચાર કરે છે.
- અહીં દર વર્ષે થીક્સે ગુસ્તોર તહેવાર ઉજવાય છે. તેમાં સાધુઓ છામ નામનું મહોરાં નૃત્ય કરે છે અને અંતે તોરમા પુતળાનું દહન કરવામાં આવે છે.