ભારતમાં ખાદ્ય સુરક્ષા માળખાને મજબૂત બનાવવું

ભારતમાં ખાદ્ય સુરક્ષા માળખાને મજબૂત બનાવવું

#GS-2 #GS-3 #ગુડ ગવર્નન્સ અને સામાજિક ન્યાય #આરોગ્ય #અર્થતંત્ર #ખાદ્ય સુરક્ષા #રાષ્ટ્રીય #ફૂડ પ્રોસેસિંગ #સરકારી નીતિઓ અને હસ્તક્ષેપ

શા માટે ચર્ચામાં છે?

  • સમગ્ર ભારતમાં ખોરાકી ઝેરના બનાવો સતત વધી રહ્યા છે. તેના કારણે દેશની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાઓ ખાદ્ય સુરક્ષા અને ધોરણો (FSS) કાયદો, 2006 ના પાલનમાં રહેલી ક્ષતિઓ દર્શાવે છે.

ભારતમાં ખાદ્ય સુરક્ષા અંગેની ચિંતાઓ

  • એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઈડ્સ ઇન ઈન્ડિયા (ADSI) રિપોર્ટ 2024 મુજબ ભારતમાં ખોરાકી ઝેરના કારણે 1,122 લોકોના મોત થયા છે.
  • વૈશ્વિક સ્તરે WHO ફૂડબોર્ન ડીસીઝ એસ્ટીમેટ્સ 2026 ના રિપોર્ટ પ્રમાણે દૂષિત ખોરાકથી 866 મિલિયન લોકો બીમાર પડે છે અને 1.5 મિલિયન લોકો મૃત્યુ પામે છે, જેમાં પાંચ વર્ષથી નાના બાળકોનો હિસ્સો 30% જેટલો છે.
  • વર્ષ 2000 પછી દુનિયાભરમાં આ સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ ખોરાકજન્ય રોગોના કારણે આયુષ્ય ઘટવાના મામલે ભારત વિશ્વમાં 15મા ક્રમે આવે છે.
  • ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. જેમાં માનવ સંસાધન, નિયમોનું પાલન, ટેસ્ટિંગ સુવિધા અને ગ્રાહક જાગૃતિ જેવા મુદ્દા ચકાસાય છે.
  • વર્ષ 2023-24 માં દેશના 75% રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો 100 માંથી 50 થી પણ ઓછો સ્કોર મેળવી શક્યા હતા, જે નબળી કામગીરી દર્શાવે છે.
  • સૌથી નબળો સ્કોર કરનાર રાજ્યોમાં ઝારખંડ ને 26.5 અને ઉત્તર પ્રદેશ ને 44.25 મળ્યા હતા. આ બંને રાજ્યોમાં 2024 માં ખોરાકી ઝેરના ઘણા કિસ્સા નોંધાયા હતા.
  • FSS કાયદો, 2006 હેઠળ દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) માટે રજીસ્ટ્રેશન, નિયમિત તપાસ અને લેબોરેટરી ટેસ્ટિંગ ફરજિયાત છે.
  • વર્ષ 2026 ના નવા નિયમો મુજબ જોખમ આધારિત તપાસ માળખું બનાવવામાં આવ્યું છે, જેથી વધુ જોખમી એકમોની વારંવાર તપાસ થઈ શકે.
  • આમ છતાં અમલીકરણ નબળું છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્ર માં 1.8 લાખથી વધુ નોંધાયેલા FBOs હોવા છતાં 2024-25 માં માત્ર 21,000 ખાદ્ય નમૂના લેવાયા હતા.
  • સ્ટાફની ભારે અછત છે. FSSAI માં કેન્દ્રીય સ્તરે 40% જગ્યાઓ ખાલી છે, જ્યારે રાજ્યોમાં 1,200 થી વધુ ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) ની જગ્યાઓ ખાલી પડી છે.
  • દાખલા તરીકે મહારાષ્ટ્ર માં 1,100 અધિકારીઓ ની જરૂરિયાત સામે માત્ર 130 અધિકારીઓ જ મેદાન પર કામ કરી રહ્યા છે.
  • રાસાયણિક પ્રદૂષણ પણ મોટો ખતરો બની રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ ચોખા અને ભૂગર્ભ જળમાં અકાર્બનિક આર્સેનિક અને મસાલા કે વાસણોમાં સીસું (લેડ) ભળવાથી બાળકોમાં માનસિક વિકાસ રૂંધાય છે અને ગંભીર રોગો થાય છે.
  • પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં એન્ટિબાયોટિક્સનો અંધાધૂંધ ઉપયોગ થવાથી એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) ની સમસ્યા વધી રહી છે.
  • શાકભાજી અને પાકોમાં કીટનાશકોના વધુ પડતા વપરાશથી કેન્સર અને હાર્મોન સંબંધિત બીમારીઓ નું જોખમ વધે છે.
  • ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હવે એક સમાંતર અર્થતંત્ર બની ગયું છે, ખાસ કરીને ડેરી અને ખાદ્ય તેલ ક્ષેત્ર માં આ સ્થિતિ વધુ ખરાબ છે.
  • દૂધમાં ઈથિલીન ગ્લાયકોલ જેવા ઝેરી રસાયણોની ભેળસેળ અને નકલી દૂધ તથા નકલી પનીર નું વેચાણ લોકોના આરોગ્ય સામે મોટો ખતરો છે.
  • ગ્રાહકોને ભ્રમિત કરતી જાહેરખબરો અને દાવાઓ (હેલ્થ-વોશિંગ) એક નવી મુશ્કેલી બનીને સામે આવ્યા છે.
  • વર્ષ 2025-26 માં FSSAI એ 100% કુદરતી જેવા ખોટા દાવા કરતી અને રોગ મટાડવાની ખોટી ખાતરી આપતી કંપનીઓ સામે કડક પગલાં લીધા હતા.
  • ગરમી અને તાપમાન વધવાને કારણે ખોરાક જલ્દી બગડી જાય છે અને બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે, ખાસ કરીને જ્યાં કોલ્ડ ચેઇનની સુવિધા નથી.
  • લારી-ગલ્લા પર સ્વચ્છ પાણી, કચરા નિકાલ અને સફાઈના અભાવે સાલ્મોનેલા અને ઈ. કોલાઈ જેવા ખતરનાક બેક્ટેરિયા ફેલાય છે.

ખાદ્ય સુરક્ષાની ઝાંખી

  • ખાદ્ય સુરક્ષા એ ખોરાકને યોગ્ય રીતે સાચવવાની અને તૈયાર કરવાની વિજ્ઞાન આધારિત પદ્ધતિ છે, જેથી ખોરાકથી થતા રોગો અટકાવી શકાય.
  • ખાદ્ય સુરક્ષા કુદરતી કે આકસ્મિક પ્રદૂષણને અટકાવે છે, જ્યારે ફૂડ ડિફેન્સ ખોરાકમાં જાણી જોઈને કરવામાં આવતી ભેળસેળ કે નુકસાન સામે રક્ષણ આપે છે.
  • FSSAI એ ખાદ્ય સુરક્ષા અને ધોરણો કાયદો, 2006 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) હેઠળ કામ કરે છે.
  • FSSAI ની મુખ્ય પહેલોમાં ઈટ રાઈટ ઈન્ડિયા, સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, RUCO, અને ફૂડ સેફ્ટી મિત્ર યોજના શામેલ છે.
  • રાજ્ય સ્તરે આ કાયદાનું પાલન કરાવવાની મુખ્ય જવાબદારી ફૂડ સેફ્ટી કમિશનર અને ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) ની છે.

આગળનો માર્ગ

  • ભેળસેળ કરનાર મોટી કંપનીઓ પર ચોક્કસ રકમનો દંડ કરવાને બદલે કંપનીના વાર્ષિક ટર્નઓવર આધારિત દંડ ફટકારવો જોઈએ, જેથી આર્થિક ડર ઊભો થાય.
  • જિલ્લા સ્તરે વિશેષ ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલ બનાવવી જોઈએ, જેથી અદાલતો પર ભાર વધાર્યા વગર કેસોનો ઝડપી નિકાલ થઈ શકે.
  • કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં IoT સેન્સર લગાવવા ફરજિયાત કરવા જોઈએ, જેથી ખોરાક બગડતો અટકાવી શકાય.
  • નાના ફેરિયાઓને સફાઈની તાલીમ આપીને PM SVANidhi જેવી યોજનાઓ સાથે જોડવા જોઈએ અને સસ્તા વ્યાજે લોન આપવી જોઈએ.
  • ખેતરમાં વપરાતા જંતુનાશકોની નોંધ રાખવા FSSAI અને કૃષિ મંત્રાલયે મળીને ફાર્મ ટુ ફોર્ક ડિજિટલ પોર્ટલ બનાવવું જોઈએ.
  • સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પેક્ડ ખોરાક પર ફ્રન્ટ-ઓફ-પેક (FOP) હેઠળ લાલ, પીળા અને લીલા રંગના સ્પષ્ટ વોર્નિંગ લેબલ લગાવવા જોઈએ.
  • ગ્રાહકો માટે એક ફૂડ વોચ એપ બનાવવી જોઈએ, જેનાથી તેઓ સ્થળના ફોટા સાથે ફરિયાદ કરી શકે અને સીધી તપાસ શરૂ થઈ શકે.

નિષ્કર્ષ

  • ખોરાકી ઝેરની સમસ્યા રોકવા માટે ભારતમાં ફાર્મ ટુ ફોર્ક અભિગમ, આધુનિક ટેસ્ટિંગ લેબ અને કડક દંડની જોગવાઈ કરવી ખૂબ જરૂરી છે.
  • ખાદ્ય સુરક્ષા સુધારવાથી સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) જેવા કે SDG 2 (શૂન્ય ભૂખમરો), SDG 3 (સારી આરોગ્ય સુવિધા) અને SDG 12 (જવાબદાર વપરાશ) હાસલ કરી શકાશે.