મહાન ક્રાંતિકારી વીર બટુકેશ્વર દત્ત સ્મરણ

મહાન ક્રાંતિકારી વીર બટુકેશ્વર દત્ત સ્મરણ

#GS-1 #ઇતિહાસ #આધુનિક ભારત #સ્વાતંત્ર્ય સંગ્રામ #GS-3 #વર્તમાન ઘટનાઓ #રાષ્ટ્રીય #બટુકેશ્વર દત્ત #ક્રાંતિકારી ચળવળ

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય ગૃહમંત્રીએ મહાન ક્રાંતિકારી વીર બટુકેશ્વર દત્ત ની પુણ્યતિથિ પર તેમને સમગ્ર દેશ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

બટુકેશ્વર દત્ત કોણ હતા?

  • બટુકેશ્વર દત્ત ને લોકો બી. કે. દત્ત, બટ્ટુ કે મોહન તરીકે પણ ઓળખતા હતા. તેમણે અંગ્રેજ સરકારના શોષણ સામે અવાજ ઉઠાવવા 1929 માં ભગતસિંઘ સાથે મળીને નવી દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી માં બોમ્બ ફેંક્યો હતો.

પ્રારંભિક જીવન અને ક્રાંતિકારી ચળવળમાં પ્રવેશ

  • તેમનો જન્મ 18 નવેમ્બર 1910 ના રોજ પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના ઓઆરી ગામમાં થયો હતો.
  • તેમણે પોતાનું બાળપણ અને શાળાકીય શિક્ષણ ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત P.P.N. હાઇસ્કૂલ માં પૂરું કર્યું હતું.
  • વર્ષ 1924 માં કાનપુરમાં તેમની મુલાકાત ભગતસિંઘ સાથે થઈ હતી. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદ ની છત્રછાયામાં તેઓ ક્રાંતિકારી દળમાં જોડાયા અને બોમ્બ બનાવવાની કળા શીખ્યા.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય યોગદાન

  • અંગ્રેજ સરકારે મજૂર આંદોલનો અને ક્રાંતિકારીઓને દબાવવા માટે પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ્સ બિલ જેવા બે શોષણકારી કાયદા બનાવ્યા હતા.
  • 8 એપ્રિલ 1929 ના રોજ બટુકેશ્વર દત્ત અને ભગતસિંઘ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં ગયા. તેમણે ખાલી જગ્યા પર ઓછા વિસ્ફોટ વાળા બે બોમ્બ ફેંક્યા, ક્રાંતિકારી પત્રિકાઓ ઉડાડી અને ઇન્કિલાબ ઝિંદાબાદ ના નારા લગાવ્યા.
  • બોમ્બ ફેંક્યા પછી બંને ક્રાંતિકારીઓ ભાગી ન ગયા પરંતુ ધરપકડ વહોરી લીધી, જેથી અંગ્રેજોની અદાલતનો ઉપયોગ દેશમાં ક્રાંતિનો સંદેશ ફેલાવવા માટે કરી શકાય.
  • જેલમાં યુરોપિયન કેદીઓની સરખામણીએ ભારતીય કેદીઓ સાથે ખરાબ વર્તન થતું હતું. તેની સામે દત્ત અને ભગતસિંઘ જેલમાં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી અને રાજકીય કેદીઓ માટે મૂળભૂત હકો મેળવ્યા.
  • આ કેસમાં 1929 માં તેમને આજીવન કેદની સજા થઈ અને આંદામાનની સેલ્યુલર જેલ માં મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે કાળી મજૂરી કરી અને 1933 તથા 1937 માં જેલની ભૂખ હડતાળમાં ભાગ લીધો.
  • જેલમાં ટીબી થવાના કારણે 1938 માં તેમને છોડી મુકાયા. તેમ છતાં તેમણે 1942 માં મહાત્મા ગાંધીના હિંદ છોડો આંદોલન માં ભાગ લીધો અને બિહારની મોતીહારી જેલ માં ફરી ચાર વર્ષ રહ્યા.

ક્રાંતિકારી સંગઠનો

  • તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA) ના મુખ્ય સભ્ય હતા અને ભગતસિંઘ, ચંદ્રશેખર આઝાદ તથા સુખદેવ સાથે મળીને કામ કરતા હતા.
  • યુવાનો, વિદ્યાર્થીઓ અને મજૂરોને આઝાદીની લડતમાં જોડવા માટે બનેલી નૌજવાન ભારત સભા માં પણ તેઓ ખૂબ સક્રિય હતા.

છેલ્લા દિવસો અને અવસાન

  • 1947 માં આઝાદી મળ્યા પછી બટુકેશ્વર દત્ત બિહારના પટનામાં પોતાના પરિવાર સાથે સામાન્ય જીવન જીવતા હતા, જ્યાં તેમને આર્થિક તંગી અને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો.
  • 1960 ના દાયકામાં તેમને હાડકાંનું કેન્સર થયું અને સારવાર માટે AIIMS દિલ્હી લાવવામાં આવ્યા, જ્યાં 20 જુલાઈ 1965 ના રોજ 54 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
  • તેમની અંતીમ ઈચ્છા મુજબ પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે તેમના સાથીદારો ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ ની સમાધિ પાસે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.