ભારતનું કપાસ ક્ષેત્ર: વિકાસ, સરકારી યોજનાઓ અને વૈશ્વિક સ્થાન

ભારતનું કપાસ ક્ષેત્ર: વિકાસ, સરકારી યોજનાઓ અને વૈશ્વિક સ્થાન

#GS-1 #ભૂગોળ #ભારતનું આર્થિક ભૂગોળ #GS-3 #અર્થતંત્ર #કૃષિ #વર્તમાન બનાવો #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ હાલમાં White Gold: India's Cotton Story - From Seed to Shirt નામે એક ખાસ રિપોર્ટ બહાર પાડ્યો છે.
  • આ રિપોર્ટમાં ખેતી, કાપડ ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રે કપાસના મહત્વના ફાળા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
  • તે દર્શાવે છે કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપણું કપાસ ક્ષેત્ર હવે જૂની પદ્ધતિઓ છોડીને ટેકનોલોજી આધારિત આધુનિક સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે.

આર્થિક મહત્વ અને મુખ્ય યોગદાન

  • દુનિયામાં ઉત્પાદિત થતા કુલ રેશામાંથી લગભગ 23% રેશા એકલું ભારત આપે છે.
  • દેશના આશરે 60 લાખ ખેડૂતો ની આજીવિકા સીધી રીતે કપાસની ખેતી પર આધારિત છે.
  • આ ઉપરાંત પ્રોસેસિંગ, કાપડ મિલ, પરિવહન અને વેપાર ક્ષેત્રે 4 થી 5 કરોડ લોકોને રોજગારી મળે છે.
  • પરદેશી હૂંડિયામણ કમાઈ આપવામાં મોટો ફાળો હોવાથી કપાસને સફેદ સોનું (White Gold) પણ કહેવામાં આવે છે.
  • કપાસની માન્યતા પ્રાપ્ત ચારેય પ્રજાતિઓ ઉગાડતો ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે.
  • સરકારે ટેકાના ભાવ (MSP), મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અને કસ્તૂરી કોટન ભારત જેવા પગલાં ભરીને આ ક્ષેત્રને મોટો ટેકો આપ્યો છે.

સ્વદેશીથી આત્મનિર્ભર ભારત સુધીની ઐતિહાસિક સફર

  • ભારતમાં કપાસની ખેતી અને કાપડ વણાટનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.
  • પ્રાચીન કાળમાં ભારતીય સુતરાઉ કાપડ યુરોપ અને એશિયામાં નિકાસ થતું અને વેપારમાં ચલણ તરીકે વપરાતું.
  • ૧૯મી સદીમાં કોલકાતા, મુંબઈ અને અમદાવાદ માં કાપડ મિલો શરૂ થતાં આધુનિક ઉદ્યોગનો પાયો નંખાયો.
  • કાપડ ઉદ્યોગના ઝડપી વિકાસને કારણે અમદાવાદ ને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવ્યું.
  • સ્વદેશી ચળવળ વખતે સ્થાનિક મિલોએ વિદેશી કાપડ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
  • વિશ્વયુદ્ધો દરમિયાન ભારતીય કાપડની માંગ વધતાં આ ક્ષેત્ર વધુ મજબૂત બન્યું અને આત્મનિર્ભર ભારત નું સપનું સાકાર કરવાનો પાયો નંખાયો.

કપાસના મુખ્ય પરિમાણો અને પ્રજાતિઓ

  • ભારતમાં કપાસની ચારેય મુખ્ય પ્રજાતિઓ G. arboreum, G. herbaceum, G. barbadense અને G. hirsutum ઉગાડવામાં આવે છે.
  • દેશમાં ઉત્પાદિત થતા સંકર (હાઇબ્રિડ) કપાસમાંથી લગભગ 90% કપાસ G. hirsutum પ્રજાતિનો છે.
  • ભારતમાં વાવવામાં આવતો તમામ Bt કોટન આ G. hirsutum પ્રજાતિમાં જ આવે છે.
  • વર્ષ 2002 માં દાખલ કરાયેલ Bt કોટન માં Bacillus thuringiensis નામના જીવાણુના જીન હોય છે, જે ઈયળો સામે રક્ષણ આપે છે.
  • Bt કોટન થી જંતુનાશકોનો ખર્ચ ઘટ્યો, ઉત્પાદન વધ્યું અને ખેડૂતોની આવકમાં સુધારો થયો.
  • કપાસનું વર્ગીકરણ તેના રેશાની લંબાઈ આધારે થાય છે, જે 20 મીમી થી ઓછા (ટૂંકા રેશા) થી લઈને 32.5 મીમી અને તેથી વધુ (અતિ લાંબા રેશા) સુધી હોય છે.
  • દેશમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ એમ ત્રણ મુખ્ય ઝોનના 9 મુખ્ય રાજ્યો તથા ઓડિશા અને તમિલનાડુ માં કપાસનું ઉત્પાદન થાય છે.

વિસ્તાર, ઉત્પાદન અને વપરાશની સ્થિતિ

  • વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં પ્રથમ નંબરે છે. દેશમાં 114.84 લાખ હેક્ટર માં કપાસ વવાય છે, જે દુનિયાના કુલ વિસ્તારના 38% છે.
  • ભારતનો 62% કપાસીયા વિસ્તાર વરસાદ પર આધારિત છે, જ્યારે માત્ર 38% વિસ્તારમાં જ સિંચાઈની સુવિધા છે.
  • ઉત્પાદન અને વપરાશ બંને બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે.
  • કપાસનું ઉત્પાદન ગાંસડીમાં મપાય છે (૧ ગાંસડી = 170 કિલો). વર્ષ 2024-25 માં દેશમાં 297.24 લાખ ગાંસડી (એટલે કે 5.06 મિલિયન ટન) ઉત્પાદન થયું હતું.
  • વર્ષ 2025-26 માટે પ્રાથમિક અંદાજ અનુસાર 290.91 લાખ ગાંસડી (એટલે કે 4.95 મિલિયન ટન) કપાસ પાકવાની શક્યતા છે.
  • દેશમાં સ્થાનિક વપરાશ 328 લાખ ગાંસડી (5.58 મિલિયન ટન) નોંધાયો છે, જે કાપડ ઉદ્યોગની મજબૂત માંગ દર્શાવે છે.

કપાસની નિકાસ અને વૈશ્વિક વેપાર

  • વર્ષ 2024-25 માં ભારતે 18 લાખ ગાંસડી (0.31 મિલિયન મેટ્રિક ટન) કપાસની નિકાસ કરી હતી.
  • આ જથ્થો વિશ્વના એકંદર કપાસ વેપારના લગભગ 3.37% જેટલો થાય છે.
  • નાણાકીય વર્ષ FY25 માં ભારતે કપાસ અને તેના કાપડની નિકાસથી 11.49 બિલિયન યુએસ ડોલર કમાયા હતા.
  • ભારતીય કાપડનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા (26.35%) રહ્યો હતો.
  • આ સિવાય બાંગ્લાદેશ (19.81%), શ્રીલંકા (5.11%), યુનાઇટેડ કિંગડમ (2.38%) અને યુએઈ (2.32%) પણ મોટા ખરીદદાર દેશો છે.

ક્ષેત્રના વિકાસ માટે સરકારની મુખ્ય પહેલો

  • CACP દ્વારા ટેકાના ભાવ (MSP) નક્કી કરાય છે, જેથી ખેડૂતોને તેમના વાવેતર ખર્ચ પર ઓછામાં ઓછો 50% નો નફો મળી રહે.
  • જ્યારે બજાર ભાવ ઘટે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) નોડલ એજન્સી તરીકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરે છે.
  • કપાસ ખરીદી કેન્દ્રોની સંખ્યા વધીને 2025-26 માં 571 થઈ ગઈ છે, જે 11 રાજ્યો ના 152 જિલ્લાઓ ને આવરી લે છે.
  • વર્ષ 2025-26 માં રૂ. 5,659.22 કરોડ ના બજેટ સાથે 5 વર્ષનું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કરાયું છે.
  • આ મિશનનો લક્ષ્યાંક વર્ષ 2031 સુધીમાં કપાસનું ઉત્પાદન વધારીને 498 લાખ ગાંસડી કરવાનો છે, જેનાથી 140 જિલ્લા ના 32 લાખ ખેડૂતો ને ફાયદો થશે.
  • આ યોજના 5F વિઝન (Farm, Fibre, Factory, Fashion, Foreign) પર કામ કરે છે અને ખાસ કરીને અતિ લાંબા રેશા (ELS) વાળા કપાસ પર ધ્યાન આપે છે.
  • વર્ષ 2023-24 થી નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ 8 રાજ્યો માં કપાસના વધુ વાવેતર માટે નવી પદ્ધતિઓની પ્રાયોગિક શરુઆત કરાઈ છે.
  • કપાસ કિસાન એપ વડે ડિજિટલ સ્લોટ બુકિંગ અને સીધા ખાતામાં જમા થતા પેમેન્ટનો લાભ 41 લાખથી વધુ નોંધાયેલા ખેડૂતો લઈ રહ્યા છે.
  • રૂ. 30 કરોડ ના બજેટ સાથે શરૂ કરાયેલ કસ્તૂરી કોટન ભારત પહેલ દ્વારા ભારતીય કપાસને બ્રાન્ડિંગ, ક્યુઆર કોડ અને ટ્રેસેબિલિટીથી વૈશ્વિક ઓળખ આપવામાં આવી રહી છે.

આગળનો માર્ગ

  • વરસાદ પર નભતા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા વધારવાથી હવામાનના ફેરફારો સામે પાકને સુરક્ષિત કરી શકાશે.
  • વધુ ઉત્પાદન આપતી વાવેતર પદ્ધતિઓ અને અતિ લાંબા રેશા વાળી જાતો પ્રોત્સાહિત કરવાથી નિકાસ કમાણીમાં મોટો વધારો થઈ શકે છે.
  • ડિજિટલ ખરીદી અને બ્લોકચેન ટ્રેસેબિલિટીનો વ્યાપ વધારવાથી વિશ્વ બજારમાં ભારતીય કપાસની ગુણવત્તા પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.