કમ્પ્રેસ્ડ બાયોગેસ ક્ષેત્ર માટે ગોબરધન યોજના

કમ્પ્રેસ્ડ બાયોગેસ ક્ષેત્ર માટે ગોબરધન યોજના

#GS-3 #અર્થતંત્ર #પર્યાવરણ #ઈન્ફ્રાસ્ટ્રક્ચર #ઉર્જા #ટકાઉ વિકાસ #ગોબરધન યોજના #કમ્પ્રેસ્ડ બાયોગેસ

મુખ્ય મુદ્દા

  • કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધીના 10 વર્ષ માટે ₹23,731 કરોડના બજેટ સાથે ગોબરધન (GOBARdhan) યોજના શરૂ કરી છે.
  • બાયોગેસ ઉત્પાદકોને કાયમી આવક મળી રહે તે માટે સરકારે ₹2,110 પ્રતિ MMBtu નો ચોક્કસ ખરીદ ભાવ નક્કી કર્યો છે.
  • શહેરી ગેસ વિતરણ નેટવર્ક માટે નાણાકીય વર્ષ 2026-27 માં 3% થી શરૂ કરીને 2028-29 સુધીમાં 5% બાયોગેસ મિશ્રણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
  • નવા પ્લાન્ટ સ્થાપવા માટે ક્ષમતા મુજબ પ્રતિ TPD ₹2 કરોડ સુધીની સબસિડી અને પાઇપલાઇન જોડાણ માટે 80% સુધીની સરકારી સહાય મળશે.
  • દેશમાં બાયોગેસનું ઉત્પાદન વધવાથી વિદેશી મંડિયામણના ₹40,000 કરોડથી વધુ બચશે અને લગભગ 5 લાખ નવી રોજગારી ઉત્પન્ન થશે.

શા માટે ચર્ચામાં છે?

  • કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ ગોબરધન (GOBARdhan) સેન્ટ્રલ સેક્ટર સ્કીમ લોંચ કરી છે.
  • દેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધીના 10 વર્ષ માટે ₹23,731 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

ગોબરધન યોજના વિશે

  • આ એક નવી અને મોટી યોજના છે. સરકારે અગાઉની અલગ-અલગ યોજનાઓને ભેગી કરીને એક મજબૂત નીતિ બનાવી છે.
  • તેમાં ગેસનું વેચાણ, નક્કી ભાવ, સબસિડી, પાઇપલાઇન જોડાણ અને બેંક લોન ગેરંટી જેવી સુવિધાઓ એકસાથે આપવામાં આવશે જેથી બાયોગેસનું ઉત્પાદન વધી શકે.
  • આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) ની આગેવાની હેઠળ ચાલશે. જેમાં ગેસ કંપનીઓ, રાજ્ય સરકારો અને બેંકો સાથે મળીને કામ કરશે.
  • આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં ગેસનું ઉત્પાદન વધારવાનો છે. આનાથી વિદેશથી લાવવો પડતો LNG ગેસ ઘટશે, ખેતરોમાં પરાળ સળગાવવાનું બંધ થશે અને છાણ તથા કચરામાંથી લીલો ગેસ અને ખાતર બનશે.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • ગેસ બનાવતી કંપનીઓને સારું વળતર મળે તે માટે ₹2,110 પ્રતિ MMBtu નો નિશ્ચિત ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
  • ગેસ વિતરણ કંપનીઓ માટે મિશ્રણનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં નાણાકીય વર્ષ 2026-27 માં 3%, 2027-28 માં 4% અને 2028-29 થી 5% CBG ગેસ ભેળવવો ફરજિયાત રહેશે.
  • નવા બાયોગેસ પ્લાન્ટ લગાવવા માટે ઉત્પાદન ક્ષમતા મુજબ પ્રતિ TPD ₹2 કરોડ સુધીની નાણાકીય સબસિડી મળશે. આ પૈસા મશીનરી અને ખાતર બનાવવાના સાધનો ખરીદવામાં વપરાશે.
  • મોટા બાયોગેસ સેન્ટરને મુખ્ય ગેસ પાઇપલાઇન સાથે જોડવા માટે સરકાર 80% સુધીનો ખર્ચ ભોગવશે, જ્યારે નાના પ્લાન્ટને સ્થાનિક નેટવર્ક સાથે જોડવા 50% સબસિડી આપશે.
  • નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન મેળવવામાં સરળતા રહે તે માટે 85% સુધીની ક્રેડિટ ગેરંટી મળશે. સામાન્ય ઉદ્યોગો માટે ₹20 કરોડ અને મહિલા સાહસિકો માટે ₹25 કરોડ સુધીની લોન કવર થશે.
  • સંશોધન અને કચરાની મોનિટરિંગ માટે એક વિશેષ ફંડ બનાવવામાં આવ્યું છે. આ બધી કામગીરી યુનિફાઇડ ગોબરધન પોર્ટલ દ્વારા ઓનલાઇન થશે.

યોજનાનું મહત્વ

  • મોંઘા વિદેશી ગેસની આયાત ઘટવાથી દેશના ₹40,000 કરોડથી વધુ રૂપિયા બચશે. આ સાથે વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે.
  • આ યોજનાથી ગામડાઓમાં આશરે 5 લાખ રોજગારીની તકો ઊભી થશે. પ્લાન્ટમાંથી નીકળતું જૈવિક ખાતર જમીનની ગુણવત્તા સુધારશે અને ખેડૂતોને વધારાની આવક આપશે.