ભારતમાં ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) ના 9 વર્ષ

ભારતમાં ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) ના 9 વર્ષ

#GS-3 #અર્થતંત્ર #કરવેરા #વિકાસ #સંસાધનોનું એકત્રીકરણ #રાષ્ટ્રીય

શા માટે ચર્ચામાં છે?

  • ભારતમાં 2017માં શરૂ થયેલ GST એ 2026માં પોતાના 9 વર્ષ પૂરા કર્યા છે, જે દેશના કર સુધારામાં એક મહત્વનો તબક્કો છે.
  • તાજેતરના Next-Generation GST સુધારા વડે ટેક્સના દરો સરળ બન્યા છે, વેપારીઓ માટે નિયમોનું પાલન સરળ થયું છે અને નાના ઉદ્યોગો (MSMEs) ને મોટો ટેકો મળ્યો છે.

સારાંશ

  • આઝાદી પછી GST દેશનો સૌથી મોટો કર સુધારો માનવામાં આવે છે, કારણ કે તેણે કેન્દ્ર અને રાજ્યોના અલગ-અલગ પરોક્ષ વેરા દૂર કરીને સમગ્ર દેશમાં એક સમાન ટેક્સ વ્યવસ્થા ઊભી કરી છે.
  • છેલ્લા 9 વર્ષ દરમિયાન ટેક્સ ભરનારા લોકોની સંખ્યા વધી છે, સરકારી આવકમાં વધારો થયો છે, GST Council દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકાર વધ્યો છે અને GSTN તથા AI જેવી ટેકનોલોજીથી કામગીરી સરળ બની છે.

છેલ્લા 9 વર્ષમાં GST ની મુખ્ય સિદ્ધિઓ

  • One Nation, One Tax ની ભાવના સાથે 17 જેટલા જૂના ટેક્સ અને 13 સેસ નાબૂદ કરીને આખી સિસ્ટમને એક જ માળખામાં લાવી દેવાઈ, જેનાથી ટેક્સ પર ટેક્સ લાગવાનો જૂનો બોજ દૂર થયો.
  • ટેક્સ ભરનારા વેપારીઓની સંખ્યા 2017માં 66.5 લાખ હતી, જે મે 2026 સુધીમાં વધીને 1.65 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે વધુ ને વધુ લોકો સત્તાવાર અર્થતંત્રમાં જોડાયા છે.
  • વર્ષ 2017-18માં જીએસટીની વાર્ષિક આવક ₹7.4 લાખ કરોડ હતી, જે વધીને 2021-22માં ₹13.76 લાખ કરોડ અને 2025-26માં ₹22.27 લાખ કરોડ થઈ ગઈ છે.
  • નાણાકીય વર્ષ 2026-27ના શરૂઆતના એપ્રિલ-મે 2026 દરમિયાન જ ₹4.37 લાખ કરોડ ની કમાણી થઈ, જે દર્શાવે છે કે દેશમાં વેપાર-ધંધા કેવા ચાલી રહ્યા છે તે માપવાનો આ એક મુખ્ય આધાર બની ગયો છે.
  • GST Council ની બેઠકો થકી કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને નિર્ણયો લે છે, જેનાથી બંને વચ્ચે સહકારી સંઘવાદ વધુ મજબૂત બન્યો છે.
  • GSTN પોર્ટલ, ઈ-ઈન્વોઈસિંગ અને ઓનલાઈન ચેકિંગની મદદથી ટેક્સ ભરવાની આખી પ્રક્રિયા ડિજિટલ અને પારદર્શક બની ગઈ છે.
  • નાના વેપારીઓને ટેક્સ ભરવામાં રાહત આપવા માટે મુક્તિ મર્યાદા વધારવામાં આવી, કમ્પોઝિશન સ્કીમ અપાઈ, અને ખાલી કમાણીવાળા એટલે કે NIL રિટર્ન SMS દ્વારા ભરવાની સુવિધા શરૂ કરાઈ.

GST અંગેના મુખ્ય તથ્યો

  • 2016ના 101મા બંધારણીય સુધારા કાયદા દ્વારા જૂના કેન્દ્રીય અને પ્રાંતિય વેરા ભેગા કરીને દેશમાં GST દાખલ કરવામાં આવ્યો હતો.
  • GST એ તમામ વસ્તુઓ અને સેવાઓના પુરવઠા પર લાગતો એક મૂલ્ય-વર્ધિત વેરો છે.
  • આ ટેક્સ આવવાથી કેન્દ્રનો Excise Duty અને Service Tax તેમજ રાજ્યોનો VAT અને Luxury Tax જેવા જુદા જુદા વેરા દૂર થયા.
  • પહેલાં ઉત્પાદન કે વેચાણ પર ટેક્સ લાગતો હતો, તેની જગ્યાએ હવે વસ્તુ કે સેવા પૂરી પાડવાના સમયે ટેક્સ ગણાય છે.
  • આ સિસ્ટમ ગ્રાહક જ્યાં વસ્તુ વાપરે છે તે સ્થળ આધારે ટેક્સ વસૂલે છે, જૂની ઉત્પાદન આધારિત પદ્ધતિ બંધ થઈ ગઈ છે.
  • GST 2.0 ના સુધારા પછી મોટાભાગની વસ્તુઓ પર 5% અને 18% ના બે દરો છે, જ્યારે વૈભવી અને હાનિકારક વસ્તુઓ પર 40% ના દરે ટેક્સ લાગે છે.
  • આમાં કેન્દ્ર સરકાર CGST અને રાજ્ય સરકાર SGST ના નામે એક જ રકમ પર સાથે ટેક્સ વસૂલે છે.
  • બહારના દેશમાંથી આવતી વસ્તુઓ કે સેવાઓ પર આંતર-રાજ્ય વેપાર ગણીને IGST અને કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે.
  • આખી પ્રક્રિયાનું સંચાલન GST Council ની ભલામણથી થાય છે અને તેનું ટેકનિકલ કામ GSTN પોર્ટલ સંભાળે છે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો GST Council ની સલાહથી જ CGST, SGST અને IGST ના દરો નક્કી કરે છે.

Next-Generation GST સુધારાના મુખ્ય લક્ષણો

  • 56મી GST Council meeting માં GST 2.0 ના નામે નવા સુધારાઓને મંજૂરી અપાઈ, જે 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ કરવામાં આવ્યા.
  • કરવેરાના દરોને મુખ્યત્વે 5% અને 18% ના બે તબક્કામાં વહેંચી દેવાયા, જેથી ટેક્સ સમજવો અને ભરવો સરળ બને.
  • તંબાકુ, ઓનલાઇન ગેમિંગ, સોડા-ઠંડા પીણા, મોંઘી કાર, બોટ અને ખાનગી વિમાન જેવી મોજશોખની વસ્તુઓ પર 40% જેટલો ઊંચો ટેક્સ રાખવામાં આવ્યો છે.
  • જરૂરી દવાઓ અને વિમા પોલિસી પર ટેક્સમાં છૂટછાટ કે ઘટાડો કરીને સામાન્ય પરિવારના ખર્ચમાં બચત થાય તેવી વ્યવસ્થા કરાઈ છે.
  • સિમેન્ટ અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં વપરાતા કાચા માલ પર ટેક્સ ઘટાડવાથી નાના કારીગરો અને MSMEs નો ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે.
  • કાચા માલ પર વધુ અને તૈયાર માલ પર ઓછો ટેક્સ હોવાની જૂની ભૂલો સુધારીને સ્થાનિક ઉત્પાદન અને નિકાસને વેગ આપવામાં આવ્યો છે.
  • નવા સુધારાથી વેપારનું રજીસ્ટ્રેશન, રિટર્ન ભરવું અને રિફંડ મેળવવાની પ્રક્રિયા ખૂબ ઝડપી અને સરળ બની છે.
  • GSTN, ઈ-ઈન્વોઈસ અને AI આધારિત સિસ્ટમના ઉપયોગથી ટેક્સ ચોરી પકડવી વધુ સરળ બની છે અને ભૂલો ઘટી છે.

પડકારો

  • પીવાનો દારૂ અને 5 મુખ્ય પેટ્રોલિયમ પેદાશો હજી પણ GST ની બહાર છે, જેના કારણે વેપારીઓને જૂની પદ્ધતિથી ટેક્સ ભરવો પડે છે અને ઇનપુટ ક્રેડિટ મળતી નથી.
  • ટેક્સના દરો ઓછા કરવા છતાં અમુક વસ્તુઓ કઈ કેટેગરીમાં ગણવી તેને લઈને સ્પષ્ટતા ન હોવાથી કોર્ટ-કચેરીના વિવાદો થાય છે.
  • વિવાદો ઉકેલવા માટે GST Appellate Tribunal (GSTAT) ની રચના થઈ છે, પણ તેની બેન્ચો પૂરી રીતે ચાલુ ન થવાથી કેસો લાંબા ખેંચાય છે.
  • વારંવાર બદલાતા નિયમો, નવી નોટિફિકેશન અને રિટર્ન મિલાવવાની ઝંઝટથી નાના MSME વેપારીઓ માટે કામગીરી અઘરી બને છે.
  • અમુક ધંધામાં કાચા માલ પર વધુ અને તૈયાર માલ પર ઓછો ટેક્સ હોવાથી વેપારીઓના નાણાં રિફંડ મેળવવામાં રોકાઈ રહે છે.
  • ટેક્સની આવકની વહેંચણી અને નુકસાનના વળતર અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ક્યારેક મતભેદો ઊભા થાય છે.

આગળનો માર્ગ

  • શરૂઆતમાં Natural Gas અને Aviation Turbine Fuel (ATF) જેવી પેટ્રોલિયમ ચીજોને GST હેઠળ લાવવી જોઈએ, જેથી રાજ્યોની આવકને નુકસાન ન પહોંચે.
  • ટેક્સના દરો વધુ સ્પષ્ટ કરીને અને બિનજરૂરી છૂટછાટો દૂર કરીને જૂના વર્ગીકરણના વિવાદો ઉકેલવા જોઈએ.
  • નિકાસકારો અને ઉત્પાદકોને રિફંડ ઝડપથી ચૂકવવાની સિસ્ટમ બનાવવી જોઈએ જેથી તેમના નાણાં રોકાઈ ન રહે.
  • GST Appellate Tribunal ના ન્યાયાધીશોની ઝડપી નિમણૂક કરીને તમામ બેન્ચ વહેલી તકે કાર્યરત કરવી જોઈએ.
  • ડિજિટલ સેવાઓ, ક્રિપ્ટોકરન્સી અને Carbon Credits જેવા નવા ક્ષેત્રો માટે સ્પષ્ટ કાયદા બનાવવા જરૂરી છે.

નિષ્કર્ષ

  • છેલ્લા 9 વર્ષ માં GST એ સમગ્ર દેશમાં એક સમાન બજાર બનાવીને, પારદર્શિતા લાવીને અને સંઘવાદ મજબૂત કરીને ટેક્સ વ્યવસ્થામાં મોટો બદલાવ આણ્યો છે.
  • આવનારા સમયમાં ઝડપી વિવાદ નિવારણ, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને સરળ નિયમો ભારતને Viksit Bharat બનાવવાના સ્વપ્ન તરફ આગળ ધપાવશે.